આણંદ : ખંભાત તાલુકાના કલમસર ગામે આવેલી ખાનગી કેમિકલ્સ કંપનીએ ફરી પોતાનું પોત પ્રકાશી કેમિકલ્સ યુક્ત પાણી નજીકના ચેકડેમમાં નાંખતાં ખેડૂતો અને રહિશોના જીવ જોખમમાં મુકી દીધાં છે. આ ચેકડેમનું પાણી પીવા ઉપરાંત સિંચાઇ માટે ઉપયોગી હતું. પરંતુ કેમિકલ ભળતાં આ પાણી ઝેરી બની ગયું છે અને સિંચાઇ માટે ઉપયોગમાં લેવાતા પાકને ભારે નુકશાન થયું છે. આ ઉપરાંત અહીં આસપાસના પર્યાવરણને પણ ભારે નુકશાન થયું છે. આ અંગે પ્રદુષણ વિભાગ અને કલેક્ટરને ફરિયાદ કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવ્યાં નથી. જેના કારણે ભારે રોષ જન્મ્યો છે.
આ અંગે પર્યાવરણ બચાવો, જમીન બચાવો સમિતિએ જણાવ્યું હતું કે, કલમસર ગામે આવેલી જય કેમિકલ્સ કંપની દ્વારા રાસાયણિક વેસ્ટ પ્રવાહી દરિયામાં છોડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જય કેમિકલ્સ કંપની દ્વારા પોતાનું કેમિકલ વેસ્ટ પ્રવાહી સરકારે બનાવેલા ચેકડેમમાં છોડવામાં આવી રહ્યું છે. આ ચેકડેમ કલમસર અને આસપાસના ગામડાંઓના લોકોને પીવાનું સારુ પાણી મળી રહે અને ખેડૂતોને સિંચાઇના હેતુથી સરકારે બનાવ્યો છે. જેમાં કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડવાના લીધે પાણી દુષિત થઇ ગયું છે. આ અંગે સમિતિએ આક્ષેપ કર્યો હતો કે, જય કેમિકલ્સ કંપની સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કેટલીય ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
સ્થળ તપાસ કરીને નમુના લેવાયા છે
કલમસર ગામે ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે ફરિયાદ મળી હતી. જે ફરિયાદ આધારે સ્થળ તપાસ કરવામાં આવી છે અને પાણીના નમુના પણ લેવામાં આવ્યાં છે. આ પાણીના નમુના તપાસ અર્થે ગાંધીનગર ખાતે લેબમાં ફીંગર ટેસ્ટીંગ માટે મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’ – રેખાબહેન શેખ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, આણંદ.