Business

રામ મંદિરના ઉદ્ઘાટનના મુદ્દે રાજકારણના દાવપેચો ખેલાઈ રહ્યા છે

તારીખ નક્કી થઈ ગઈ, દિવસ પણ નક્કી છે. રામલલ્લા સોમવારે તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ તેમના ઘરે પહોંચશે, પરંતુ હવે આ મુદ્દે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના દરેક કામ પર તીખી ટીકા કરતા વિપક્ષો રામ મંદિરની પ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થઈ રહી છે, તેનો વિરોધ કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના કારણે વિપક્ષી છાવણીને હવે પેટમાં દુખાવો થવા લાગ્યો છે.

વિપક્ષી નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે કાર્યક્રમ માટે માત્ર એક જ પાર્ટીને શા માટે આમંત્રણ મોકલવામાં આવે છે? બીજી બાજુ અયોધ્યાના સંતો એવો અવાજ ઉઠાવી રહ્યા છે કે સનાતન ધર્મના રિવાજ મુજબ જો કોઈ પરણેલા પુરુષના હાથે મૂર્તિની પ્રતિષ્ઠા થાય તો તેની વિધિમાં તેની પત્ની પણ હાજર હોવી જોઈએ. તેમનો કહેવાનો મતલબ છે કે જો નરેન્દ્ર મોદી રામ લલ્લાની પ્રતિષ્ઠા કરવાના હોય તો તેમણે પોતાની બાજુમાં જશોદાબહેનને પણ બેસાડવાં જોઈએ. અયોધ્યાના સંતોનો આક્ષેપ છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં લાભ લેવા ભાજપ અધૂરા રામ મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી રહ્યો છે. શંકરાચાર્ય પણ કહી રહ્યા છે કે જ્યારે રામ નવમી નજીક છે ત્યારે ભાજપ પ્રતિષ્ઠા માટે કેમ ઉતાવળ કરી રહ્યો છે?

સંતોના કહેવા મુજબ રામ નવમી વખતે આચારસંહિતા લાગી જવાના ડરથી ભાજપ જાન્યુઆરી મહિનામાં જ પ્રતિષ્ઠા કરાવવા ઉતાવળો થયો છે, કારણ કે જો આચારસંહિતા લાગુ હોય તો વડા પ્રધાન પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી શકે નહીં. રામ મંદિરના આંદોલનમાં લાલ ક્રિશ્ન અડવાણી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા જેવા નેતાઓ મોખરે હતાં. તેમને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાથી ભાજપના નેતાઓમાં પણ ચણભણાટ ચાલી રહ્યો છે. કેટલાક નેતાઓ ખાનગીમાં આક્ષેપ કરી રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા મહોત્સવમાં કેન્દ્રસ્થાને રહેવા માગે છે; માટે તેમણે રાષ્ટ્રપતિને પણ આમંત્રણ મોકલવા દીધું નથી. તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ આ કારણે આમંત્રણો મોકલવામાં આવ્યાં નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા પર શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કટાક્ષ કર્યો છે કે વડા પ્રધાન મોદીને આમંત્રણ આપવાની કોઈ જરૂર નથી. તેઓ પોતે પણ આટલા મોટા કાર્યક્રમથી દૂર રહી શકતા નથી. સંજય રાઉતે કહ્યું છે કે રામ મંદિરના નિર્માણ માટે હજારો કારસેવકોએ પોતાનો જીવ આપ્યો છે. તેમાં અનેક હિન્દુ સંગઠનો અને પક્ષો સામેલ હતા. શિવસેના, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ તેમાં સામેલ હતા. લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી હતી. આ બધાનું પરિણામ એ છે કે રામ મંદિર બની રહ્યું છે, પરંતુ મને લાગે છે કે આ ચૂંટણીની તૈયારી ચાલી રહી છે.

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા વડા પ્રધાન મોદીને આમંત્રણ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. એક નિવેદનમાં તેમણે કહ્યું છે કે શું આમંત્રણ માત્ર એક જ પાર્ટીમાં જઈ રહ્યું છે? કાર્યક્રમમાં કોણ પહોંચશે અને કોણ નહીં તે અંગે ટિપ્પણી કરી શકાતી નથી, પરંતુ હવે શું ભગવાન માત્ર એક પક્ષ પૂરતો મર્યાદિત છે? આમંત્રણ દરેક માટે હોવું જોઈએ, પરંતુ તેને માત્ર પાર્ટી ઈવેન્ટ બનાવવામાં આવી રહયું છે. શું તે પાર્ટી ઇવેન્ટ છે કે માત્ર એક વ્યક્તિ સાથે સંબંધિત છે? આ દરમિયાન સલમાન ખુર્શીદે માંગ કરી હતી કે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ દરેક પક્ષને મોકલવું જોઈએ.

આ મામલે ડીએમકેના નેતા ટી.કે.એસ. એલાન્ગોવનનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં તેણે કહ્યું છે કે ‘‘હું શું કહી શકું? તેઓએ ઈતિહાસનો નાશ કર્યો છે અને તેને પૌરાણિક કથાઓ સાથે બદલી નાખ્યો છે. કોઈ પણ દેશને તેના ઈતિહાસ પર ગર્વ હોવો જોઈએ. તેણે પોતાનો ઈતિહાસ જાણવો જોઈએ. રામનો જન્મ એક પૌરાણિક કથા છે. રામાયણની કથા સાહિત્ય છે. તેઓ ઈતિહાસને પૌરાણિક કથા સાથે બદલવા માંગે છે. ભાજપ આ જ કરવાનો પ્રયાસ કરી રહી છે. એલાન્ગોવને કહ્યું કે આ લોકો સત્તામાં છે, આપણે શું અપેક્ષા રાખી શકીએ? તે તેનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવા માંગે છે. તેને રામમાં કોઈ રસ નથી. ભાજપ રામને મહત્ત્વનું નથી માનતી પણ તેઓ પોતાના રાજકીય લાભ માટે રામનો ઉપયોગ કરી રહ્યા છે.’’

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે વિપક્ષી છાવણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું છે કે ‘‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ પર વડા પ્રધાન મોદી અયોધ્યા પહોંચી રહ્યા છે. એક રામ ભક્ત તરીકે, એક સૈનિક તરીકે, આ મારા માટે પણ ગર્વની ક્ષણ છે. ૨૨ જાન્યુઆરી તમામ રામ ભક્તો માટે ગૌરવનો દિવસ હશે. ૫૦૦ વર્ષ પછી અહીં રામ લલ્લાની મૂર્તિને સન્માન સાથે સ્થાપિત કરવામાં આવનાર છે. તુષ્ટિકરણની રાજનીતિને કારણે ડાબેરી ઇતિહાસકારો દ્વારા ભગવાન રામને પૌરાણિક કહેવામાં આવે છે.’’

સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી એવા પ્રથમ રાજકારણી હતા, જેમણે ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ નકારી કાઢ્યું હતું. સીતારામ યેચુરીએ કહ્યું કે તેઓ અયોધ્યાના કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આમંત્રણ નકારવા પાછળનું કારણ તેમણે ધાર્મિક આસ્થાનું રાજનીતિકરણ ગણાવ્યું હતું. સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે આ ઉદ્ઘાટન સમારોહમાં જે થઈ રહ્યું છે તે એ છે કે તે રાજ્ય પ્રાયોજિત કાર્યક્રમમાં ફેરવાઈ ગયું છે, જેમાં વડા પ્રધાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને બંધારણીય હોદ્દા ધરાવતાં અન્ય લોકો હાજરી આપે છે. આ સીધું જ રાજનીતિકરણ છે.

તૃણમૂલ કોંગ્રેસ પણ સીપીએમની લાઇનને અનુસરે તેવી શક્યતા છે. તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનર્જી રામ મંદિરના કાર્યક્રમમાં હાજરી નહીં આપે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં વૈચારિક અને રાજકીય હરીફો હોવા છતાં સીપીએમ અને તૃણમૂલ કોંગ્રેસ બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. જો કે ટીએમસીએ સત્તાવાર રીતે તેના નિર્ણયની જાહેરાત કરી નથી, પરંતુ તેનાં વડાં મમતા બેનર્જીની નજીકના પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષ ભાજપની રાજકીય કથામાં જોડાવાથી સાવચેત છે. રામ મંદિરના કાર્યક્રમમાં જોડાવાની તૃણમૂલની આશંકા પાછળ એ અનુભૂતિ છે કે ભાજપ મંદિરનિર્માણનો ઉપયોગ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે કરી શકે છે.

રામ મંદિરના મુદ્દે હાલમાં ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા ઘટક કોંગ્રેસ કરતાં અન્ય કોઈ પક્ષ વધુ મુશ્કેલીમાં નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને અભિષેક સમારોહ માટે આમંત્રણ મોકલ્યું છે. એક અઠવાડિયા પછી પણ કોંગ્રેસે તેના નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં તેની કોઈ જાહેરાત કરી નથી. કોંગ્રેસને એવું વલણ અપનાવવાની ફરજ પડી શકે છે કે તેને ચૂંટણીમાં બહુ નુકસાન ન થાય. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે અસ્પષ્ટ રીતે જોડાયેલ સમસ્ત કેરળ જામ-ઇયાતુલ ઉલમાએ તેની દ્વિધા માટે કોંગ્રેસની ટીકા કરી છે. મુસ્લિમ લિગ કેરળમાં કોંગ્રેસની ભાગીદાર છે.

ભાજપનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ પાર્ટી નરમ હિંદુત્વ વલણ અપનાવતી જોવા મળે છે અને કાર્યક્રમમાં હાજરી ન આપવાથી તેને ઓછામાં ઓછા ઉત્તરીય રાજ્યોમાં ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. કોંગ્રેસને ડર છે કે આ કાર્યક્રમમાં ભાગ લઈને તેઓ ભાજપના હાથમાં રમશે. જો કોંગ્રેસના નેતાઓ અયોધ્યા જાય તો તેમની મુસ્લિમ મતબેન્ક નારાજ થઈ જાય તેમ છે અને ન જાય તો તેમના હિન્દુ સમર્થકો નારાજ થઈ જાય તેમ છે. આ કારણે કોંગ્રેસના નેતાઓ ક્યો વચલો રસ્તો કાઢે છે, તે જાણવાનું અત્યંત રસપ્રદ બની રહેશે.

Most Popular

To Top