મહેસાણા: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે. દૂધસાગર ડેરીના (Dudhasagar dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરીની (Vipul choudhary) ધરપકડ (Arrest) બાદ રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 23 તારીખ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડને લઈને ચૌધરી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની ધરપકડ થતાં એક પછી એક રાજીનામાં પડયાં હતા. મળતી માહિતી મુજબ ખેરાલુ તાલુકાના ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં પડ્યા છે.
- વિપુલ ચૌધરીની ધરપકડને લઇ ચૌધરી સમાજમાં રોષ
- વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં પડ્યાં રાજીનામાં
- ખેરાલુ તાલુકા ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં પડ્યા
- જુદા-જુદા મોરચાના હોદ્દેદારોએ ભાજપમાંથી આપ્યા રાજીનામા
- વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપમાંથી આપ્યા રાજીનામા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત મોડી રાત્રે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રોજ ધરપકડ બાદ મહેસાણા ખાતે અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી. અને ત્યાર બાદ કલેક્ટર કચેરીમાં વિપુલ ચૌધરીને ધરપકડમાંથી મુક્ત કરવા માટે મોટી સંખ્યામાં અર્બુદાના કાર્યકરોએ એકત્રિત થઈ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચને મહેસાણા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેરાલુ તાલુકામાંથી 30 જેટલા રાજીનામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં આપવામાં આવ્યા છે. 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી હવે વિપુલ ચૌધરી પોલીસના રિમાન્ડમાં રહેશે જે દરમિયાન 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ થશે.
કોર્ટની બહાર મહિલા કાર્યકરોનો દેખાવ
દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળામાં વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. તેમજ તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરવાની વાત જાણીને મોટી સંખ્યામાં અર્બુદા સેનાની મહિલાઓ કોર્ટ બહાર એકત્રિત્ર થઈ ગઈ હતી. જો કે પરિસ્થિતિ ન બગડે તેથી પોલીસે કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે વિપુલ ચૌધરી અને શૈલેષ પરીખ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી,. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.
17 બેનામી કંપનીઓ ઊભી કરાયાનો આક્ષેપ
વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં વિપુલ ચૌધરીએ 17 બેનામી કંપનીઓ ઉભી કરીને 320 કરોડની રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ફરિયાદ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી વિપુલ ચૌધરી અને તેના પી.એ સામે કડક પગલાં ભરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આવેલા તેઓના પંચશીલ ફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓ ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં આવી તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરી અને તેમના પી.એ શૈલેષ પરીખને એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ થઈ હતી.
અગાઉ પણ વિપુલ ચૌધરીને થઇ છે જેલ
અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ હવે તેમની ધરપકડ બાદ અર્બુદા સેનાની સભા યોજવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.