વડોદરા: બોટાદ ખાતે થયેલા લઠ્ઠાકાંડના મુદ્દે સમગ્ર રાજ્યમાં ભારે વિરોધના વંટોળ ઘેરાયા છે.વિપક્ષ સહિતના વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.ત્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ગુજરાતના બોટાદમાં ઝેરી દારૂ પીવાથી કેટલાક ઘરોમાં માતમ છવાયો છે.જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં કેમિકલવાળા દારૂનું વેચાણ સામે આવ્યું છે.
ત્યારે આ દુ:ખદ ઘટના પર વિરોધ પક્ષો સત્તાધારી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે.બીજી બાજુ બોટાદમાં થયેલા કેમિકલ લઠ્ઠાકાંડમાં 55 જેટલા વ્યક્તિઓના મોત નીપજતાં વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પાણીની પોટલીઓ બનાવી વિરોધ વિમહતું. એટલું જ નહીં વિદ્યાર્થીઓ દ્વારા પોટલીઓને જાહેર રસ્તાઓ પર ફોડી વિરોધ કરવામાં આવી રહ્યો હતો.આ વિરોધની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ત્યારબાદ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા તમામ 10 જેટલા કાર્યકરોની જાહેર રસ્તા પર પોટલીઓ ફોડી વિરોધ કરવા બદલ સયાજીગંજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
લટ્ઠાકાંડમાં મોતને ભેટેલા છે તેમના પરિવારજનોને સહાય આપવામાં આવે તેવી માગણી કરાઇ
ગુજરાતમાં પાણીની જેમ દારૂ વેચાઈ રહ્યો છે. સરદાર પટેલની ભૂમિ હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે. જેના વિરોધને લઈ આજે NSUI પ્રદર્શન કરી રહ્યું છે. પાણીની જેમ દારૂ વેચાતા આજે અમે પોટલીમાં પાણી ભરીને વિરોધ કર્યો છે.બોટાદ અને ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડને લઈને અમે સરકાર અને પોલીસ પાસે આ કાંડ પાછળના આરોપીઓને કડકથી કડક સજા આપવામાં આવે તેમજ જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને સહાય આપવામાં આવે.અમે દારૂની પોટલીઓ રસ્તાઓ પર ફોડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાગૃત કરી સરકારનો વિરોધ કર્યો છે.
વ્રજ પટેલ, પ્રમુખ NSUI