Editorial

રાજકારણી, અધિકારી અને વચેટિયાઓની ગેંગ ગુજરાતને ઉધઇની જેમ ફોલી રહી છે

ગુજરાતમાં સીબીઆઇએ એક આઇએએસ અધિકારી સામે કાર્યવાહી કરતાં ગુજરાતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઇ ગયો છે. કે. રાજેશના મામલે જેટલી વાતો બહાર આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. તેના પરથી ફલિત થાય છે કે, ગુજરાતના રાજકારણીઓ, અધિકારીઓ, ભૂ માફિયાઓ અને વચેટિયાઓ ઉધઇની જેમ રાજ્યને કોરી કોરીને ખાઇ રહ્યાં છે. અહીં ઉધઇ શબ્દનો પ્રયોગ એટલા માટે કરવો પડે છે. આવા એક બે નથી પરંતુ તેમનો રાફડો છે અને ઉધઇનો પણ રાફડો જ હોય છે.

જો આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો તેનો રેલો ગુજરાતના એક કદાવર નેતા સુધી પહોંચે તેમ છે અને તેમની રાજકીય કારકિર્દી ઉપર પણ પૂર્વવિરામ મૂકાઇ જાય તેમ છે. તેવી જ રીતે અધિકારીઓ અને વચેટિયાઓ પણ જેલમાં પહોંચી જાય છે. ગુજરાતને કોરી ખાતા આવા લોકોની સંખ્યા એટલી મોટી છે કે, તેમના માટે નવી જેલ ઉભી કરવી પડે તેમ છે. હાલમાં જ જે કેસનો પર્દાફાશ થયો છે તેની વાત કરીએ તો બામણબોરમાં 800 એકર સરકારી જમીનના કૌભાંડ 2000 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે. રાજેશનું નામ પણ બહારઆવ્યું છે, તેની સાથે જ હવે મોટા રાજકીય માથાઓને પણ અસર થાય અને તેઓ પણ ભેરવાય તેવી શક્યતા છે.

એક રાજકોટના વચેટિયાએ બામણબોરની જમીન કલીયર કરવા માટે સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે 2થી 3 કરોડમાં સોદો કર્યો હતો. આ જમીન ચોખ્ખી કરાવવા માટે ગાંધીનગરમાં એક સિનિયર પોલીસ અધિકારીની મદદ પણ લેવાઈ છે. આ પોલીસ અધિકારી જમીનના સોદા કરવા માટે તેમજ જમીનોના કબજો ખાલી કરાવીને મૂળ જમીન માલિક પાસેથી સાવ પાણીના ભાવે જમીન લખાવી લેવાના નિષ્ણાંત મનાય છે. આ પોલીસ અધિકારીની ગેંગના માણસો જ્યારે જ્યારે સુરેન્દ્રનગરમાં બામણબોરની જમીનના કામ માટે જતાં ત્યારે એક દિવસે તો કંટાળીને કે.રાજેશે કહી દીધું હતું કે, ‘સાહેબ.. તમે મારી બદલી કરાવી નાંખો, અને તમારી પસંદગીનો કલેક્ટર મૂકાવીને જમીન ચોખ્ખી કરાવી લો, મને વાંધો નથી’. રાજકોટના વચેટિયાનો ભાઈ હાલમાં પણ ઉચ્ચ રાજનૈતિક હોદ્દા પર છે.

જો કે રાજેશ મોઢુ ખોલશે તો ગુજરાતમાં રાજકીય ભૂકંપ આવે તેવી પણ સંભાવના છે. આ જમીન કૌભાડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેકટર, ડે કલેક્ટર, મામલતદાર તથા નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ જેલની હવા ખાઇ ચૂક્યા છે. સુરેન્દ્રનગરના ચુડા, ધ્રાગધ્રા, ચોટીલા, ખાંડિયા મહારગઢ, સાયલા સહિતના તાલુકાઓમાં ઓછામાં ઓછા બે ડઝન અધિકારીઓ સામે તત્કાલીન સાંસદ સોમા ગાંડાભાઈ પટેલે એસીબીને ફરિયાદ કરી છે, તેમ છતાં તેઓની સામે કોઈ પગલાં લેવાયા નથી. જો કે સીબીઆઈ દ્વારા હવે દરોડાની કાર્યવાહી શરૂ કરાંતા આ અધિકારીઓ ભેરવાઈ જાય તેવી સંભાવના છે.

ડેપ્યૂટી કલેકટર, મામલતદાર તથા અડધો ડઝન જેટલા નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ કૌભાંડના નાણાં સુરતની એક બેન્કમાં જમા કરાવીને તેને વ્હાઈટ કરી લેતા હતા. કે. રાજેશના નજીકના સગા સુરતની બેન્કમાં ફરજ બજાવે છે. જેના પગલે આ નાણાં સુરતની બેન્કમાં આવતા હતા. સુરેન્દ્રનગરની 2000 કરોડની જમીન ચોખ્ખી કરાવનાર મહેસુલી અધિકારીઓ હવે ભેરવાઇ તેવી સંભાવના છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલાની આસપાસ મેવાસા, બારસિયા, પીપળિયા શેખળિયા, બામણબોર – જીવાપર ગામની ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની 1200 એકર જમીન સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને બારોબાર વેચી મારવાના પ્રકરણમાં રાજકોટના જમીન માફિયા તથા ગાંધીનગરના આઈપીએસ અધિકારીની સંડોવણી બહાર આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલિન કલેક્ટર કે રાજેશની સીબીઆઇ દ્વારા ધરપકડ પછી આ પ્રકરણની વિગતો જાહેર આવે સંભાવના દેખાઇ રહી છે. કે રાજેશ જો મોઢું ખોલશે તો તેના પર સુરેન્દ્રનગરની કરોડોની જમીન ચોખ્ખી કરવા કોનું દબાણ હતુ તે વિગતો બહાર આવતા ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જાય તેવી સંભાવના છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી ખરાબા અને સરકારી જમીનો અખૂટ ભંડાર આવેલો છે. ચોટિલા તાલુકાના વિડ વિસ્તારોમાં હજારો એકર ગૌચર અને સરકારી ખરાબાઓની હજારો હેક્ટર જમીન આવેલી છે. આ જમીન પૈકી ચોટિલાના મેવાસા, બારસિયા અને પીપળિયા શેખલીયાની 956 એકર જમીનો વેચી મારી કૌભાંડ થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ચોટિલાની આજુબાજૂની 956 એકર અને 234 એકર જમીન ટોચ મર્યાદામાં ગયેલી જમીનનો તત્કાલીન મામલતદાર દ્વારા કેસ ચલાવી ખાનગી વ્યકિતના નામે કરી આપવામાં આવી હતી.

Most Popular

To Top