Editorial

દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઉકેલવા માટે રાજકીય પક્ષો ગંભીર બને

દિલ્હીમાં ફરી ખતરનાક વાયુ પ્રદૂષણ થઈ જવા પામ્યું છે. આ પ્રદૂષણને કારણે સરકારે હેલ્થ ઈમરજન્સી જાહેર કરવી પડી છે. સરકારે શાળા અને કોલેજોને બે દિવસ માટે બંધ કરી દેવી પડી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફની સાથે સાથે આંખોમાં બળતરા, ખાંસી સહિતની ફરિયાદો ઉઠી છે. લોકો બીમાર પડવા લાગ્યા છે. શુક્રવારે દિલ્હી, નોઈડા અને ગુરૂગ્રામ સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 500ની નજીક પહોંચી ગયો હતો.

પ્રદૂષણને કારણે ધોળે દિવસે અંધારૂ થઈ જવા પામ્યું હતું. સરકારે પ્રદૂષણને નાથવા માટે તાકીદે એકશન પ્લાનના અમલની જાહેરાત કરવી પડી છે. આ એકશન પ્લાનમાં હાલમાં સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં અન્ય કડક પગલાઓ પણ લેવામાં આવી શકે તેમ છે. વૈજ્ઞાનિકો દ્વારા આગામી બે સપ્તાહ સુધઈ દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.  પ્રદૂષણને કારણે વિઝિબિલીટી પણ ઘટીને 500 મીટર થઈ ગઈ છે. પ્રદૂષણને કારણે હોસ્પિટલોની ઓપીડીમાં સીધો 20 ટકાનો વધારો થઈ ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધુને વધુ ઘેરી બની રહી છે. શિયાળો શરૂ થયો નથી અને દિલ્હીમાં વાયુ પ્રદૂષણે માઝા મૂકી નથી! દર વર્ષની આ સમસ્યા થઈ રહી હોવા છતાં પણ દિલ્હીની સરકાર તેનો કાયમી ઉકેલ લાવી શકતી નથી. અગાઉના સમયમાં દેશમાં જળ પ્રદૂષણની સમસ્યા વધુ હતી. નદી-નાળામાં છોડવામાં આવતી ગંદકીને કારણે લોકોને ભારે હેરાનગતિ થતી હતી. જોકે, હવે તેનું સ્થાન વાયુ પ્રદૂષણે લઈ લીધું છે. દિલ્હીની આસપાસ ઉદ્યોગોની સાથે સાથે દિલ્હીની ફરતેના વિસ્તારોમાં પરાળી બાળવાની મોટી સમસ્યા છે. શેરડી સહિતના પાકો કપાઈ ગયા બાદ ખેતરમાં જે કચરો વધે છે તેને ખેડૂતો દ્વારા સળગાવી દેવામાં આવે છે. એક તરફ શિયાળાને કારણે ધુમ્મસ હોય છે અને ઉપરથી આ પરાળી બાળવાને કારણે તેના ધુમાડાથી ધુમ્મસમાં એ હદનો વધારો થઈ જાય છે કે લોકોને તેનાથી શ્વાસ લેવામાં ભારે મૂશ્કેલી રહે છે.

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો પ્રશ્ન ગત વર્ષે પણ ઘેરો બન્યો હતો. તે સમયે દિલ્હીની આપ સરકારે કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા. તો કેન્દ્રની ભાજપ સરકારે આપ પર આરોપો લગાડ્યા હતા. બંને રાજકીય પક્ષો દ્વારા એકબીજાને ભાંડવામાં આવ્યા પરંતુ તેમાં મરો લોકોનો થયો. ખરેખર આ બંને પક્ષોએ આવા સમયે પક્ષાપક્ષી ભૂલીને દિલ્હીવાસીઓની સમસ્યાને ધ્યાને લેવી જોઈતી હતી. યોજનાના લાભો નહીં મળે તો લોકો મરી જવાના નથી પરંતુ જો આ જ રીતે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધતું રહ્યું તો લોકો મોતને ભેટી જવાની સંભાવના છે.

દિલ્હીની આપ સરકારે એકશન પ્લાન અમલમાં તો મૂકી દીધો પરંતુ તેનો કડકાઈથી અમલ કરવાની જરૂરીયાત છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે લોકો બીમાર તો પડી જ રહ્યા છે. આ સંજોગોમાં જો તાકીદના ધોરણે વાયુ પ્રદૂષણને કાબુમાં કરવામાં નહીં આવે તો લોકોના મોત પણ થઈ શકે છે. વિશ્વમાં લોકો સામે જે સૌથી મોટું જોખમ મનાઈ રહ્યું છે તે પ્રદૂષણનું જ છે. જળ પ્રદૂષણને કારણે નદી અને નાળા બગડી રહ્યા છે પણ વાયુ પ્રદૂષણ તો સીધું લોકોના ફેફસામાં પહોંચી રહ્યું છે. જે ભારે ખતરનાક છે. હાલમાં તો દિલ્હીનો વારો આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં દિલ્હીની ફરતેના રાજ્યો પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનમાં પણ આ જ રીતે વાયુ પ્રદૂષણ હદ વટાવે તેમ છે. આટલું જ નહીં પણ દેશના અન્ય રાજ્યો તેમજ શહેરોમાં પણ વાયુ પ્રદૂષણ ધીરેધીરે વધી રહ્યું છે. આ વાયુ પ્રદૂષણ માટે કેટલાક રાજ્યોમાં તો ગેરકાયદે ધમધમતા ઉદ્યોગો છે.

સીપીસીબી નિષ્ક્રિય રહે છે અને તેને કારણે ગેરકાયદે ઉદ્યોગો હવા અને પાણીમાં જોખમી કચરો ઠાલવી દે છે. આ ઉદ્યોગોને રોકનાર કોઈ જ નથી. આજે પણ દેશના અનેક શહેરોમાં સાંજ પડેને ઝેરી વાયુની સામ્રાજ્ય છવાઈ જાય છે. કેન્દ્ર સરકારે પણ આ મામલે ગંભીરતા દાખવીને કેવી રીતે દિલ્હીના વાયુ પ્રદૂષણને કાબુમાં કરી શકાય તે માટે આયોજનો કરવા જોઈએ. દિલ્હીની આપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર સાથે મળીને આયોજનો કરશે તો જ દિલ્હીવાસીઓનો વાયુ પ્રદૂષણમાંથી છૂટકારો થશે તે નક્કી છે અન્યથા મોતનો દરવાજો ખુલ્લો જ છે.

Most Popular

To Top