સુરત: વરસતા વરસાદ વચ્ચે શહેરમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે ત્યાર બાદથી એક બાદ એક નેતા પક્ષનો સાથ છોડી રહ્યાં છે. આજે સુરતના ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડીયાએ આપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડીયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગીતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું.
આ રાજીનામા બાદ કાછડીયાએ કહ્યું કે, આપમાંથી રાજીનામું આપ્યું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો વિચાર કર્યો નથી. જો કે, રાજકીય ક્ષેત્રે તેમણે સન્યાસ પણ જાહેર કર્યો નથી. જેથી આગામી સમયમાં ફરીથી કોઈ પક્ષમાં જોડાઈને ફરીથી ચૂંટણી આવે ત્યાં સુધીમાં ફરી એકાદ પક્ષનો ખેસ પહેરશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.