– દારૂ પીધેલો હોવાનું જણાશે તો વાહન ચાલકોને આકરો દંડ
દમણ : દમણમાં હવે દારૂ પીને કાર કે બાઈક (Drink and Drive)હંકારવાનું ભારે પડી શકે છે. દમણ પોલીસ (Daman Police) દ્વારા તમામ ચેક પોસ્ટ પર બ્રીથ એનાલાઈઝર (Breath Analyzer) વડે તપાસ કરવાની કાર્યવાહીને શરૂ કરી છે.
છેલ્લા ઘણા સમયથી પ્રદેશમાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવની (Drink And Drive) ઘટના વધી રહી છે. જેમાં પ્રદેશની સહેલગાહે (Daman) આવતા પર્યટકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. મોજ-મસ્તી અને દારૂની રમઝટ બોલાવ્યા બાદ ધૂમ સ્ટાઈલમાં બાઈક અને જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં હાર હંકારવાને લઈ અનેક વખત અકસ્માતની (Accident) ઘટના સર્જાવા પામી છે. જેમાં વાહન ચાલકોના જીવની સાથે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમ જોવા મળે છે. ત્યારે આવી બદીઓને દૂર કરવાના આશય સાથે દમણ પોલીસનાં અધિકારીઓનાં આદેશને પગલે પોલીસ દ્વારા ડાભેલ, કચીગામ, બામણપૂજા, આંટીયાવાડ અને પાતલીયા ચેક પોસ્ટ ઉપર બ્રીધ એનાલાઈઝર સાથેની એક ટીમને સજ્જ કરી છે. દમણથી ગુજરાત તરફ જતાં વાહન ચાલકોને બ્રીધ એનાલાઈઝર વડે તપાસ કરાશે અને જો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હોવાનું સાબિત થશે તો તેવા લોકો સામે કાર્યવાહી કરી દંડ ફટકારાશે.
પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવાની શરૂઆત કરતાં દારૂ રસીકોમાં તો ફફડાટ ફેલાયો છે. પરંતુ દમણની સહેલગાહે આવતા પર્યટકો માટે પણ આ કાર્યવાહી ચેતવણીરૂપ સાબિત થશે. પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકો જો ખરા અર્થમાં દમણમાં મોજ મસ્તી કરવા આવતા હોય તો તેમણે પોતાનું વાહન નશાની હાલતમાં હંકારવાને બદલે અન્ય વ્યવસ્થા કરી પ્રદેશમાં આવે એ જરૂરી બન્યું છે.
વધતા અકસ્માતોમાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ જવાબદાર
નાની દમણ પોલીસ મથકનાં ઈન્ચાર્જ પી.આઈ. શોહીલ જીવાણીએ જણાવ્યું છે કે, ઘણા સમયથી દમણમાં નાના-મોટા અકસ્માતો થઇ રહ્યા છે. એમાં કોઈને કોઈ જગ્યાએ દારૂ પીને વાહન હંકારવાનું સામે આવ્યું છે. ત્યારે આવા સંજોગોમાં વાહનોને નુક્શાન પહોંચે જ છે પણ સાથોસાથ લોકોનો જીવ પણ જોખમમાં મુકાય છે. ત્યારે આ બદીને દૂર કરવાના આશય સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ હેઠળ વિવિધ ચેકપોસ્ટ અને મુખ્ય રસ્તાઓ ઉપર દિવસે અને રાત્રે બ્રીધ એનાલાઈઝર વડે તપાસ કાર્ય કરવામાં આવશે. અને જો કોઈ દોષિત સાબિત થશે તો તેવા સામે આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે.