વાપી : વાપી (Vapi) તાલુકાના કુંતા ગામમાં વડોલી ફળિયા સ્થિત જય જલારામ કિરાણા સ્ટોર ચલાવતા રામલાલ ભાણારામ ચૌધરીને આંતરીને તેના કિરાણા સ્ટોર પાસે જ વિજય ઈશ્વરભાઈ પટેલે ઢીકમુક્કીનો માર મારી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી. માર મારવા માટેનું કારણ એવું દર્શાવવામાં આવે છે કે વિજય પટેલે કિરાણા સ્ટોરના સંચાલક રામલાલ ચૌધરી પાસે હપ્તો માગ્યો હતો. હપ્તો નહીં આપતા ઉશ્કેરાઈ જઈને માર માર્યો હતો. વાપી ટાઉન પોલીસે (Police) રામલાલની ફરિયાદને આધારે કુન્તાના રહેવાસી વિજય પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉનમાંથી દુકાનનો સામાન ભરીને ઇકો કારમાં રામલાલ કુન્તા તેની દુકાને જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં દમણમાં વિજય ઇશ્વરભાઈ પટેલે તેની કારને રોકી હતી. વિજય પટેલની કાર રોકાવીને કહ્યું હતું કે તું હપ્તાના પૈસા ક્યારે આપવાનો છે. તો સામે રામલાલે કહયું હતું કે મારી પાસે પૈસા નથી. હમણાં મારો ધંધો બરાબર ચાલતો નથી. આવું બોલતા જ વિજય પટેલ ઉશ્કેરાઈ જઈને ગાળો આપીને ઝઘડો કરવા લાગ્યો હતો. રામલાલ તેની કારમાં કુન્તા ગામમાં તેની દુકાને નીકળી ગયો હતો. ત્યારે વિજય પટેલ પણ પાછળ પાછળ તેની દુકાને પહોંચી ગયો હતો. કારમાંથી ઉતરતા જ રામલાલ સાથે ફરી વિજય પટેલ ઝઘડો કરવા લાગ્યો હતો. તેમજ ઉશ્કેરાઈને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો હતો. આ બનાવ બાદ રામલાલ ચૌધરીની ફરિયાદને આધારે વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરીગામમાં ચાર ઈસમોએ દોડાવી દોડાવી બેઝ બોલના દંડા વડે યુવાનને ફટકાર્યો
ઉમરગામ : સરીગામમાં ધોળા દિવસે સલીમ નામના શખ્સ ઉપર હુમલો કરી ચાર ઈસમોએ દોડાવી દોડાવી બેઝ બોલના દંડા વડે ફટકારી બંને પગમા ફેક્ચર કરતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે રહેતા આકાશ સુરેશભાઈ ઠાકુરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રવિવારે બપોરના સમયે તેના મિત્ર સલીમ શેખ ઉપર સરીગામ કેનાલ પાસે સાવરીયા હોટલની સામે જાહેર રોડ ઉપર જૂની અદાવતમાં જૈનીત ઉર્ફે જીમી ડાહ્યાભાઈ મિસ્ત્રી, મેરાજ ઉર્ફે ગુડ્ડુ કુદરત ખાન, નિયાઝ ચાંદ મોહમ્મદ મણીહાર તથા એક અજાણ્યા ઈસમે હુમલો કર્યો હતો અને કારને ટક્કર મારી હતી.
આ ઈસમોએ ભેગા મળી સલીમને ગાળો આપી પગમાં બેઝ બોલના દંડા અને લોખંડના સળિયા વડે માર મારી બંને પગમાં ફ્રેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત સલીમને શરૂઆતમાં ભીલાડની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વાપીની આયુષ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આકાશ ઠાકુરે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.