સુરત : સરથાણા (Sarthana) અને પૂણામાં કેમિકલના ગોડાઉનમાં કામ કરતા કારીગરે જ રૂા.1 લાખના સામાનની ચોરી (Stealing) કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા ટેમ્પો ડ્રાઇવર (Driver) સહિત ત્રણની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા જકાતનાકામાં આવેલ સ્વસ્તિક ટાવરમાં રહેતા રાજેશભાઇ મનસુખભાઇ સાવલિયા પૂણામાં સીતાનગર તરફ જતા રોડ પર નવું ફળિયું પાસે ટાઇલ્સ અને કેમિકલનું ગોડાઉન ધરાવે છે. તેમના ખાતામાં રોશનલાલ કીશોરજી ખટીક , ટેમ્પો ડ્રાઇવર કાશ નારાયણભાઇ ખટીક અને છગન પુરણમલ ખટીક કામ કરતા હતા. રાજેશભાઇની જાણ બહાર ત્રણેયે ભેગા મળી રાજેશભાઇના ગોડાઉનમાં મુકેલા ટાઇલ્સ અને કેમિકલના જથ્થામાંથી ૯૯ હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા, અને બારોબાર વેચી દીધો હતો. આ બાબતે રાજેશભાઇને જાણ થતા તેઓએ પૂણા પોલીસમાં ફરિયાદ આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી હતી.
ડિંડોલીમાં કાર્ટીગની ઓફિસમાંથી 57 હજારની ચોરી
સુરત : ડિંડોલી સી.આર.પાટીલ રોડ ખાતે આવેલી મારૂતી નંદન કાર્ટિગની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી કુલ રૂપિયા ૫૭ હજારના મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરા સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર ગંગાપ્રસાદ યાદવ (ઉ.વ.૩૯) ડિંડોલી સી.આર.પાટીલ રોડï શિવનગર સોસાયટીની બાજુમાં મારૂતી નંદન કાર્ટિંગના નામે ઓફિસ ધરાવે છે. વિરેન્દ્રની ઓફિસમાં રવિવારે રાત્રીના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. ઓફિસના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ ટેબલના ડ્રોવરના ખાતમાં મુકેલા રોકડા ૧૫ હજાર, ચાર કેમેરા, ડીવીઆરï તેમજ કોમ્પ્યુટરનો સમાન મળી કુલ રૂપિયા ૫૭ હજારના મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. જે અંગે ડિંડોલીમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કારખાનાની મેઇન સ્વીચ બંધ કરીને અજાણ્યો 3.24 લાખના હીરા ચોરી ગયો
સુરત : વરાછામાં હીરાના કારખાનાનો મુખ્ય દરવાજો તોડીને તેમાંથી અજાણ્યો રૂા.3.24 લાખની કિંમતના હીરા ચોરી ગયો હતો, પોતાનો ચહેરો તેમજ ચોરીની ઘટના કેમેરામાં કેદ ન થાય તે માટે અજાણ્યાએ કારખાનાની મેઇન સ્વીચ બંધ કરી દઇને ચોરી કરી હતી. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોટા વરાછા સુદામા ચોકની પાછળ લિબર્ટીમાં રહેતા મનહરભાઈ શંભુભાઈ ભંડેરી (ઉ.વ.૪૨) વરાછા ઠાકોરદ્રાર સોસાયટીમાં હરિકુષ્ણ કોર પ્રોસેસના હીરાનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં ત્રણ ફોર-પી મશીન લગાડેલા છે. રવિવારે રજાનો દિવસ હોવાથી તેઓ સોમવારે સવારે કારખાનામાં ગયા ત્યારે કારખાનાના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટ્યો હોવાનું નજરે પડ્યું હતું. અંદર જઇને તપાસ કરતા ફોર-પી મશીનની ઉપર ડાયની સાથે મુકેલા રૂા. 6.24 લાખની કિંમતના 42.36 કેરેટ હીરાની ચોરી થઇ હતી. બનાવ અંગે મનહરભાઇએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરોએ કારખાનામાં ઘુસ્યા ત્યારે કારખાનાનો મેઇન પ્લગ બંધ કરી દઇને કેમેરા જ બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ ચોરી કરી હતી. જેને લઇને સીસીટીવી ફૂટેજમાં કોઇ ઘટના કેદ થઇ ન હતી. પોલીસે આજુબાજુના કારખાના તેમજ રોડ ઉપર આવેલા કેમેરાના ફૂટેજ મેળવવાની સાથે તપાસ શરૂ કરી છે.