SURAT

આરોપીને લોકઅપમાં માર નહીં મારવા પણ પોલીસ લાંચ લે છે, સરથાણાના PSI પકડાયા

લોકઅપમાં કેદ આરોપીને માર નહીં મારવાના અને વહેલા જામીન અપાવી દેવા માટે પણ પોલીસ લાંચ માંગતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા પોલીસ મથકના પીએસઆઈએ આરોપીના ભાઈ પાસે 40 હજારની લાંચ માંગી હતી. એસીપીએ પીએસઆઈને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.

  • સરથાણાના PSI એમ.જી. લીંબોલાએ આરોપીને માર નહીં મારવા અને વહેલા જામીન આપવા 40 હજારની લાંચ માંગી
  • એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈ લીંબોલાને લાંચ લેતા રંગેહાથ પકડ્યા

સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. એમ.જી. લીંબોલાએ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગઈકાલે બુધવારે તા. 6 ઓગસ્ટ, 2025ના રોજ છટકું ગોઠવી લાંચિયા પીએસઆઈને પકડવામાં આવ્યા છે.

ACB સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ PSI લીંબોલા દ્વારા કરવામાં આવી રહી હતી. પી.એસ.આઈ. એમ.જી. લીંબોલાએ આરોપીઓને નહીં મારવા તથા વહેલા જામીન મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે ફરિયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદ મળતા ACBએ ટ્રેપ ગોઠવ્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આરોપી પીએસઆઈ લીંબોલાને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડવામાં આવ્યા હતા. લાંચની સંપૂર્ણ રકમ 40,000 આરોપી પાસેથી જપ્ત કરી લેવાઈ છે.

આ કાર્યવાહી ભરૂચ ACB પો.સ્ટે.ના ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે અને વડોદરા ગ્રામ્ય ACBના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ તથા બંને પોલીસ સ્ટેશનોની ટીમની સહાયથી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ટ્રેપ ઓપરેશનનું સુપરવિઝન બી.એમ. પટેલ, ઇન્ચાર્જ નાયબ નિયામક, ACB વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top