SURAT

સુરત: કલેકટર કચેરી ખાતે આદિવાસી સમાજના લોકોએ મોરચો માંડી મણિપુરમાં ઘટેલી ઘટનાનો વિરોઘ નોંધાવ્યો

સુરત: મણિપુરમાં (Manipur) મહિલાઓ જોડે બનેલી શરમ જનક ઘટનાના ઘેરાપ્રત્યાઘાત સુરતમાં (Surat) પણ જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં આજ રોજ ડો.બાબા સાહેબ આંબેડકર દાયિત્વ સમિતિના નેજા હેઠળ આદિવાસી સમાજ (Tribal society) દ્વારા જિલ્લા ક્લેકટરને (Collector Office) આવેદનપત્ર પાઠવી ઘટનામાં કસૂરવાર આરોપીઓ, ટોળા સહિત પોલીસ (Police) અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરાઈ છે. એટલું જ નહીં પણ આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ ઘટનાના વિરોધમાં સ્થાનિક પ્રસાશન અને ધારાસભ્યોના વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

ભાવિકા પટેલ (આદિવાસી સમાજની દીકરી)એ જણાવ્યું હતું કે મણીપુરમાં બે મહિલાઓ જોડે દુષ્કર્મ બાદ તેણીને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવવામાં આવેલી ઘટના ખૂબ જ અમાનવીય છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આખો દેશ શરમ અનુભવી રહ્યો છે. આ ઘટનાએ દેશના તમામ લોકોને હચમચાવી દીધા છે. ખાસ આ ઘટનાને લઈ મહિલાઓમાં ભારે રોષ છે. આ ઘટનાને લઇ સુરતમાં પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દાયિત્વ સમિતિના નેજા હેઠળ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આદિવાસી સમાજના લોકોએ મોરચો માંડી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી.

હિતેશભાઈ (ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દાયિત્વ સમિતિ સુરત પ્રમુખ) એ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા કલેકટર કચેરીએ મોરચો લઈ આવેલા સમિતિ દ્વારા સ્થાનિક પ્રશાસન, ધારાસભ્યો અને સરકાર સામે ભારે વિરોધ નોંધાવી સુત્રોચ્ચા કર્યા હતા. એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં જવાબદાર અને કસૂરવારો સામે કડક પગલાં ભરી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. જે અંગે સુરત જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

મોરચો લઈ આવેલા સમાજની દીકરીઓએ આ ઘટનાને લઇ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના છે. આ ઘટના પરથી મહિલાઓ અસુરક્ષિતની લાગણી અનુભવી રહી છે. ઘટનામાં જેટલા જવાબદાર આરોપીઓ અને ટોળામાં સામેલ લોકો છે, તેટલા જ જવાબદાર ત્યાંના પોલીસ અધિકારી કર્મચારીઓ પણ છે. જે પોલીસની હાજરીમાં આ ઘટના બની છે. જેથી આ ઘટનામાં આરોપીઓ સામે કડક થી કડક અને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી સમાજની દીકરીઓ માંગ કરી રહી છે.

Most Popular

To Top