પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના એક ગામની વિધવા મહિલાને બે ઇસમે પોલીસની (Police) ઓળખ આપી જબરદસ્તી કારમાં (Car) બેસાડી જઇ સુમસામ જગ્યા પર સામૂહિક બળાત્કાર (Rape) ગુજારતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે (Police) મહિલાની ફરિયાદના આધારે બે ઇસમ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી. અંતર્ગત આવતા એક ગામની મહિલાના પતિ અને પુત્રનું અવસાન થતાં તે હાલ પોતાની પુત્રી સાથે રહે છે અને મજૂરીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે 6 વાગ્યે તેણીના મોબાઇલ ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. તેણે તેનું નામ કલ્પેશ પટેલ જણાવ્યું હતું. તે મહિલા સાથે પોતે તેણે ઓળખતો હોવાનું જણાવી વાત કરવા લાગ્યો હતો. પરંતુ મહિલાએ ફોન કટ કરી દીધો હતો. થોડીવાર બાદ મહિલા દુકાને ગઈ ત્યારે પાછો ફોન આવતાં સામેવાળી વ્યક્તિએ પોલીસવાળા તરીકે ઓળખ આપી હતી અને “તારા ઘરમાં તું અને તારી છોકરી બંને એકલાં રહો છો અને તું ધંધો કરે છે તેની મને ખબર છે” એમ કહી એડ કરવાની ધમકી આપી હતી અને ફળિયા સામેના રોડ પર બોલાવી હતી. ગભરાઇ ગયેલી મહિલા રોડ આવી હતી અને રાત્રિના સવા આઠેક વાગ્યે એક કાર આવીને ઊભી રહી હતી. જેમાં ડ્રાઇવર તેમજ તેમજ બાજુમાં એક માણસ બેઠો હતો.
કારચાલકે પોતે પોલીસ કલ્પેશ પટેલ અને બાજુમાં બેસેલો ઈસમ મનીષ એલસીબીવાળા હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી અને કારમાં બેસી જવા માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. મહિલા અનિચ્છાએ કારમાં બેસી ગઈ હતી અને કારચાલકે નહેરવાળા રસ્તે હંકારી જઈ સૂમસામ રસ્તા પર ઊભી રાખી હતી. મહિલાએ પોલીસ સ્ટેશનની જગ્યાએ અહીં કેમ લાવ્યા તેઓ સવાલ કરતાં બંને શખ્સે ચૂપચાપ બેસી રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ કાર ચલથાણથી ખુમાનસિંહની વાડી તરફ સૂમસામ રસ્તે ઊભી રાખી કારચાલક મહિલાની બાજુમાં બેસી ગયો હતો અને અન્ય ઈસમ બહાર ઊતરી ગયો હતો.
કારચાલકે અડપલાં કરતાં મહિલાએ પ્રતિકાર કર્યો હતો. પરંતુ તે નરાધમે મહિલાને બે તમાચા મારી દીધા હતા અને તેણી સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બીજા ઇસમે પણ કારમાં આવી તેણી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ બંને જણા મહિલાને તેના ઘર નજીક છોડીને જતાં રહ્યા હતા. ગભરાયેલી મહિલાએ તેના ઓળખીતાને આ બાબતે જાણ કરતાં આ અંગે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. આથી મહિલાએ બંને શખ્સ વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે બંને સામે સામૂહિક બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.