વડોદરા: સંસ્કારનગરી વડોદરામાં ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા ગણેશ મહોત્સવને મિશન વિસર્જન તરીકે પાર પાડવાના સંકલ્પ સાથે પ્રારંભથી જડબેસલાક તૈયારીઓ શરૂ કરી હતી. 6 હજાર પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી અને મોડી રાત સુધી શાંતિપૂર્ણ માહોલમાં બાપ્પાનું વિસર્જન થયું હતું. અન્ય શહેરોની સરખામણીમાં સંસ્કારીનગરી વડોદરામાં ખુબ ધામધૂમથી ભક્તિભાવ સાથે ગણેશ મહોત્વસની ઉજવણી કરાતી હોય છે. જેમાં ગણેશ મંડળો દ્વારા ધૂમ ખર્ચો પણ કરવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તહેવાર ટાણે સામાન્ય બાબતમાં પથ્થરામારા જેવી ઘટનાને અંજામ આપી કોમી છમકલુ કરીને સમગ્ર ભક્તિભાવ ભર્યા માહોલને ડહોળી નાખતા હોય છે.
આ વર્ષ ગણેશ વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા મિશન ગણેશ વિસર્જન માટે એક્શન પ્લાન બનાવ્યો હતો. કમિશનર દ્વારા ગણેશ સ્થાપનાથી જ કાઉન્ટ ડાઉન શરૂ કરી દીધુ હતું અને પોલીસ સાથે સમગ્ર શહેર સહિત સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ અને ફુટ પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હતું. તેઓએ પણ ઘણા ગણેશ મંડળોના તથા મુસ્લિમ આગેવાનો સાથે બેઠકો કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા અપીલ કરી હતી.
બીજી તરફ વડોદરાની ભૌગોલિક પરિસ્થિતિથી જાણકાર હોય અ્ને વડોદરામાં કામગીરી કરી ચૂકેલા પીઆઇ એચ એમ વ્યાસ અને કૃણાલ છાસિયા સહિતના અનુભવી અધિકારીઓએ પણ વિસર્જન દરમિયાન પોતાના ફરજ નિભાવી હતી. આમ પોલીસ કમિશનરે ગણેશ મહોત્સવ, વડાપ્રધાનના મોદીનો કાર્યક્રમ અને ઇદે મિલાદના જુલુસ દરમિયાન જાતે સ્થળ પર મોડે સુધી ઉભી રહીને પોતાના ફરજ અદા કરી હતી. આમ પાંચ, સાતમા દિવસે થયેલા શાંતિમય વિસર્જન બાદ દસમા દિવસના ગણેશ વિસર્જન માટે 6 હજાર પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મિશન ગણેશ વિસર્જનને સફળ રીતે પાર પાડ્યું હતું.
નિડર અને નિષ્પક્ષ પોલીસ કમિશ્નરે કમાન સંંભાળ્યા બાદ શાંતિનો માહોલ
ગત રામ નવમીના દિવસે નીકળેલી બે શોભાયાત્રામાં ફતેપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થરમારો કરીને તંગદિલી ફેલાઇ હતી. જેના પગલે ગૃહરાજ્યમંત્રીએ પણ ઇન્વોલ્વ થવુ પડ્યું હતું. જેથી ગણેશ મહોત્સવ દરમિયાન અસામાજિક તત્વોએ કોઇ અટકચાળુ ના કરે માટે સરકાર પણે વડોદરાથી પરિચિત એવા સ્પષ્ટ છબી અને સરળ સ્વભાવ ધરાવતા નિડર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની વડોદરા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી હતી. જ્યારે કમિશનરે વડોદરાની કમાન સંભાળી છે ત્યારેથી સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છવાઇ ગયો છે. ગણેશ સ્થાપનાથી માંડીને ગણેશ વિસર્જન સુધી કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
પોલીસ બંદોબસ્ત સાથે ઇદે મિલાદના જુલુસ નીકળ્યા
નિર્વિઘ્ને ગણેશ વિસર્જન થયા બાદ ફરી પોલીસ ઇદે મિલાદના બંદોબસ્તમાં ગોઠવાઇ હતી. જેમાં સમગ્ર શહેરમાંથી સાંજના 7 વાગ્યા સુધીમાં 32 જેટલા જુલુસો નીકળી ગયા હતા પરંતુ કોઇ વાદ વિવાદ થયો ન હતો. સમગ્ર જુલુસના રોડ પર કોઇ ઘટના બની ન જાય માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
20 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન
પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 6 કૃત્રિમ તળાવો બનાવાયા હતા. ત્યારે દરેક વિસ્તારના કૃત્રિમ તળાવમાં શાંતિમય વાતાવરણ વચ્ચે ગણેશનું વિસર્જન કરાયું હતું. ઉપરાંત કેટલીક સોસાયટીઓમાં વિસર્જન કરાયું હતું.મોડી રાત સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી. આમ વડોદરા શહેરમાં મળીને મસમોટી અને નાની સહિતના શ્રીજીની પ્રતિમાઓ મળીને વિસર્જિત પ્રતિમાઓનો આંકડો 20 હજારની નજીક પહોંચી ગયો છે.
સીસીટીવી, બોડી વોર્ન કેમેરા તથા આસ્કાલાઇટથી સતત નજર રખાઇ
સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારમાંથી નીકળનારી વિસર્જન યાત્રા પર કોઇ અટકચાળુ ના કરે માટે ડીસીબી, એસઓજી સહિતના વિવિધ 10 ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં મોકલાઇ હતી. ઉપરાંત સીસીટીવી દ્વારા પણ દરેક વિસ્તારમાં બાજ નજર રખાઇ હતી. દરેક પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા અપાયા હતા.150 જેટલા ધાબા પોઇન્ટ ઉપરાંત ધાબા પરથી અંધારામાં કોઇ પથ્થરમારો ન કરે માટે લાઇટો લગાડાઇ હતી.