વડોદરા: શહેરમાં કડીયાનાકાઓ પર રોજગારી માટે લોકોના ટોળા ઉમટી પડતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર દોડતુ થઇ હતું. શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘની સૂચનાથી ACP મેઘા તેવાર સહિત નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમો અને શી ટીમે ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મજૂરોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચના આપી હતી અને માસ્કનું વિતરણ પણ કર્યું હતું. શહેરમાં તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપતા રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂરો પુનઃ એકવાર કડીયાનાકાઓ ઉપર મજૂરીની શોધમાં સવાર પડતાની સાથે આવી જાય છે. તેવામાં શહેરના કડીયાનાકાઓ પર મજૂરોના ટોળા ઉમટે છે.
ગોત્રી વિસ્તારમાં હરીનગર પાણીની ટાંકી પાસે, સંગમ ચાર રસ્તા, વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા, ન્યાય મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં મજૂરો વહેલી સવારે મજૂરી કામ મેળવવા આવી પહોંચે છે. જે લોકોને મજૂરોની જરૂર હોય છે તેઓ કડીયાનાકા તરીકે જાણીતા આ સ્થળો ઉપર આવી જાય છે અને મજૂરો સાથે રોજગારી નક્કી કરીને મજૂરી કામ માટે લઇ જાય છે.
કોડિયાનાકાઓ પર ભીડ એકત્ર થતી હોવાની જાણ પોલીસને થતા ACP મેઘા તેવાર સહિત નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમો અને શી ટીમે વહેલી સવારે દોડતી થઇ હતી અને કાર્યવાહી કરી પોલીસ તંત્ર દ્વારા ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મજૂરોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચના આપી હતી અને માસ્કનું વિતરણ કર્યું હતું.