નડિયાદ: કપડવંજ તાલુકાના જલોયા ગામે આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં દારૂ ઉતારવામાં આવ્યો હોવાનું અને ત્યાંથી તેનો વેપલો કરવામાં આવનાર હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે દરોડો કરીને ૫૦૦ પેટીથી વધુ દારૂ કબજે લઇ લિસ્ટેડ બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ પોલીસને બાતમી મળી હતી કે, લિસ્ટેડ બુટલેગર વિરલ પરીખ તેના દ્વિચક્રી વાહનમાં દારૂનો જથ્થો લઇને આવનાર છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ વોચમાં ગોઠવાઇ હતી. દરમિયાન વિરલ તેના ઘર મોટા નાગરવાડા, નદી દરવાજા પોલીસ ચોકી નજીક આવતાં તેને કોર્ડન કરી તેના વાહનમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે કબજે લઇને પોલીસે વિરલની વધુ તપાસ હાથ ધરતાં જલોયા ગામમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં વિરલે દારૂ સંતાડી રાખી તેનું છૂટક વેચાણ કરતો હોવાની જાણકારી મળતાં પોલીસ દ્વારા પોલ્ટ્રી ફાર્મ પર દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦ પેટીથી વધુનો દારૂનો જથ્થો મળી આવતાં તે પોલીસે કબજે લઇ વિરલ પરીખ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા લાંબા સમયથી વિરલ પરીખ દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પણ પોલીસને મળી હતી. હાલમાં પોલીસ દ્વારા વિરલ દારૂ ક્યાંથી લાવતો હતો અને તે કોને વેચતો હતો ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. કપડવંજમાં એક સાથે બે જગ્યાએ દારૂ ઝડપાતા બુટલેગરો પણ ફફડી ગયા હતા. જિલ્લામાં નવનિયુક્ત પોલીસ અધિક્ષકની એન્ટ્રી થતાંની સાથે જ પોલીસે એકાએક હરકતમાં આવી છેલ્લા લાંબા સમયથી દારૂનો ધંધો કરતા વિરલ પરીખ સામે કાર્યવાહી કરતાં અનેક ચર્ચાઓ નગરમાં શરૂ થઇ છે.
જલોયાના પોલ્ટ્રીફાર્મમાં વિદેશી દારૂના વેપલાં પર પોલીસ ત્રાટકી
By
Posted on