નવસારી: (Navsari) પ્રોહીબિશનની (Prohibition) પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ નિવડેલા મરોલી પોલીસ મથકના 7 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં વિદેશી અને દેશી દારૂના વેચાણની પ્રવૃત્તિમાં વધારો થયો છે. શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિદેશી દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું (Alcohol) વેચાણ થઈ રહ્યું હતું. પરંતુ હાલ વિદેશી દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે. જેથી પોલીસ (Police) ચુસ્ત થઈ જિલ્લામાં લવાતા વિદેશી દારૂની બાટલીઓને રોકવાના પ્રયાસો હાથ ધરી વિદેશી દારૂની બાટલીઓ સાથે આરોપીને ઝડપી પાડતા હતા. પરંતુ નવસારી એલ.સી.બી. પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવાની કામગીરી થતી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેથી નવસારી જિલ્લા પોલીસ વડાએ પ્રોહીબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ નિવડેલી મરોલી પોલીસ મથકના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ (Suspend) કર્યા છે.
- પ્રોહીબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ મરોલી પોલીસ મથકના 7 પોલીસ કર્મી સસ્પેન્ડ
- એલ.સી.બી. પોલીસ વિદેશી દારૂ ઝડપી પાડે છે ત્યારે સ્થાનિક પોલીસને દારૂ મળતો નથી
થોડા દિવસો અગાઉ જિલ્લા પોલીસ વડાએ મરોલી પોલીસ મથકના પી.આઈ.ની બદલી કરી હતી
કયા કયા પોલીસ કર્મીનો સસ્પેન્ડ થયા
એ.એસ.આઈ. સીતારામભાઈ ભોયે, હે.કો. નિકુલપરી ગોસ્વામી, એલ.આર. અતુલ ચૌહાણ, એલ.આર. ધર્મેન્દ્ર ભોઇ, એલ.આર. નિતેશ ચૌધરી, એલ.આર. શૈલેષ પરમાર અને એલ.આર. રમેશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લાના અન્ય વિસ્તારોમાં ચાલતી બેનંબરી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ક્યારે ?
નવસારી જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ તો થઈ રહ્યું છે. પરંતુ એ સિવાય પણ જિલ્લામાં અન્ય બેનંબરી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. પોલીસ માત્ર વિદેશી દારૂ ઝડપી પાડી વાહવાહી લૂંટે છે. પરંતુ જિલ્લામાં ચાલતી અન્ય બેનંબરી પ્રવૃત્તિઓ સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તેવા સવાલો ઉભા થયા છે.
મરોલીમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી છતાં બેનંબરી પ્રવૃત્તિઓ ચાલુ!
નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા ઘણી વખત પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે તેમજ ગુનાની પ્રવૃત્તિઓ અટકાવવામાં નિષ્ફળ નિવડેલા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પણ થઈ છે. થોડા દિવસો અગાઉ જિલ્લા પોલીસ વડાએ મરોલી પોલીસ મથકના પી.આઈ.ની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ અટકાવવામાં નિષ્ફળ નિવડેલા 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી મરોલી વિસ્તારમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ છતાં પણ બેનંબરી પ્રવૃત્તિઓ ચાલુ જ છે એ વાતને નકારી શકાય તેમ નથી.