SURAT

રાંદેરના લાલ મંદિર સામે મળેલી સૂટકેસમાં એવું કયું નિશાન હતું જેને આશ્ચર્ય સર્જયું, પોલીસે તપાસ હાથ ધરી

સોમવારે સાંજે દિલ્હીના લાલ કિસ્સા નજીક મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1ની સામે કારમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે, ત્યારે સુરતમાં આજે બુધવારે સવારે કંઈક એવી ઘટના બની જેના પગલે પોલીસ સહિત આખું સુરક્ષા તંત્ર દોડતું થયું હતું.

રાંદેર રોડ પર આવેલા ગણપતિના લાલ મંદિરની સામે રોડ પર એક બિનવારસી સૂટકેસ આજે દેખાઈ હતી. આ સૂટકેસ અંગે કોલ મળતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. મંદિરથી 10 મીટરના અંતરે બિનવારસી સૂટકેસમાં કશુંક અજુગતું હોવાની આશંકા સાથે પોલીસ બોમ્બ સ્કવોડ સાથે ઘટના સ્થળે તપાસ માટે દોડી ગઈ હતી. સાવધાનીપૂર્વક સૂટકેસની તપાસ કરાઈ હતી. સદ્દનસીબે સૂટકેસમાંથઈ કંઈ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, સવારે 11 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. કોલ કરનારે કહ્યું હતું કે, રાંદેરમાં ગણેશ મંદિરની બરોબર સામે સિગ્નલ નજીક કાળા રંગની સૂટકેસ બિનવારસી હાલતમાં પડી છે. ધાર્મિક સ્થળની નજીક બિનવારસી સૂટકેસ પડી હોવાનો કોલ મળતા પોલીસ સતર્ક થઈ હતી. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ આતંકી હુમલાઓ થવાની આશંકાને પગલે પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી.

રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ચૌધરી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સૂટકેસ પડી હતી તે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બોમ્બ સ્કવોડની મદદથી સૂટકેસ ખોલી ચેક કરી હતી.

સ્નિફર ડોગ અને BDDS સ્ક્વોડની મદદથી સુટકેસની પ્રાથમિક તપાસ કરવામાં આવી. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે બેગને અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સ્કેન કરીને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સૂટકેસની અંદરથી કશું શંકાસ્પદ મળ્યું ન હતું.

પીઆઈ આર.જે. ચૌધરીએ કહ્યું કે, સૂટકેસમાંથી કશું મળ્યું નથી. કોઈ જોખમ નથી.

દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે સૂટકેસ ખાલી હતી. તેમાં લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવાયું હતું. તેના લીધે અચરચ ઉભું થયું હતું. પોલીસે સૂટકેસ કોણે મૂકી હતી તે અંગે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top