સુરત: ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર હિંચકારી હુમલાની ઘટના બની તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ મામલે ગામ્બિયાની પ્રતિનિધિમંડળે મંગળવારે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈ વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા અપીલ કરી હતી. આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ પડ્યા છે. દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટિમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે તેથી આ વિદ્યાર્થીઓની સુરક્ષાના હેતુથી યુનિવર્સિટી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરાશે
- ગુજરાત યુનિવર્સીટીમાં વિદેશી વિદ્યાર્થી પર હુમલા બાદ સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તકેદારીના પગલાં ભરાયા
સુરત ખાતે આવેલી વીએનએસજીયુમાં હાલમાં 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્ટુડન્ટ્સની સુરક્ષા માટે યુનિવર્સિટીના સંચાલકોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે યુનિવર્સિટીમાં ખાનગી વસ્ત્રોમાં પોલીસ પેટ્રોલિંગનો નિર્ણય લેવાયો છે.
વીએનએસજીયુના કુલપતિ કિશોરસિંહ ચાવડા એ કહ્યું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદેશના 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મોટા ભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગનો નિર્ણય લેવાયો છે. તે માટે ગર્લ્સ હોસ્ટેલ, બોયસ હોસ્ટેલ, લાયબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ યુનિવર્સિટીની મોનીટરીંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ડ્રેસમાં ટીમ ગોઠવવામાં આવી છે. યુનિવર્સિટીના મેઈન ગેટ પર પણ મોનીટરીંગ ટીમ અને પોલીસ તંત્ર જરૂરી વ્યવસ્થા કરી રહી છે.
વિદેશી વિદ્યાર્થીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવાયું
તકેદારીના ભાગરૂપે વિદેશી વિદ્યાર્થીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવાયું છે. જેથી અપ્રિય ઘટના બને કે કોઈ મુશ્કેલી જણાય તો તેઓ મદદ માંગી શકે. તંત્ર પણ આવા સંજોગોમાં ત્વરિત રિસ્પોન્સ આપી શકે. વળી જો કદાચ કોઈ ઘટના બને તો તેના માટે તાત્કાલિક કડકમાં કડક પગલા લેવાના આદેશ પણ યુનિવર્સિટી દ્વારા જારી કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારી ખાનગી સિક્યુરીટી ટીમ પણ જરૂરી સંકલન કરી રહી છે.
વીએનએસજીયુમાં કયા દેશના કેટલાં વિદ્યાર્થી?
વીર નર્મદ યુનિવર્સિટીમાં તાન્ઝાનિયાના 2, માલવાઈના 1, ઘાનાના 1, લેસ્ઠોના 2, ઝામ્બીયાના 2, બાંગ્લાદેશના 2, કેમરૂનના 3, મોઝામ્બિકના 2 અને અફઘાનિસ્તાનના 38 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે.