ગાંધીનગર: પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીકના કોકાશી ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે બોલ આપવા જેવી નજીકની બાબતે બોલાચાલી થતાં એક દલિત યુવક ઉપર કેટલાક શખ્સોએ હુમલો કરી તલવાર વડે હાથનો અંગૂઠો કાપી નાખતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ ઘટનામાં સાત પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત દલિત યુવક કિર્તીભાઈ વણકરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સિધ્ધપુર નજીકના કોકાશી ગામ ખાતે રહેતા કિર્તીભાઈ વણકર પોતાના ભત્રીજાનો જન્મદિવસ હોવાથી સાંજના સમયે ગામની શાળાના મેદાનમાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ગયા હતા. આ દરમિયાન ક્રિકેટનો દડો ભત્રીજાની પાસે આવીને પડ્યો હતો, આ દડો ન આપતા ક્રિકેટ રમી રહેલા યુવકો કિર્તીભાઈ ભાઈના ભત્રીજા પર ગુસ્સે થયા હતા. આથી કિર્તીભાઈએ કહ્યું હતું કે છોકરા ને શા માટે જેમતેમ બોલો છો, ક્રિકેટની રમત પૂરી થયા બાદ ગામના કેટલાક યુવકો ગાડીઓ લઈને સ્કૂલની બહાર નજીકમાં બેઠેલા કિર્તીભાઈ પાસે આવ્યા હતા અને બહુ ગરમી કરે છે, તેમ કહી જાતિવાચક શબ્દો બોલીને કિર્તીભાઈનો ડાબા હાથનો અંગૂઠો તલવાર વડે કાપી નાંખ્યો હતો. એટલું ઓછું હોય તેમ પાંચથી સાત લોકોના ટોળાએ ગડદાપાટુનો તથા ધોકાવડે મારમારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે ધીરજભાઈ વણકરે પોલીસ મથકમાં સાત યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ ઘટના અંગે પાટણ જીલ્લા પોલીસ વડાને રૂબરૂમાં મળીને આ હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓની 48 કલાકમાં ધરપકડ કરવામાં માગણી કરી હતી, નહિં તો પાટણ બંધની ચીમકી આપી હતી.