SURAT

‘માજી તમારી સોનાની ચેઇન તથા વીંટી આપો, તમને મોટી બનાવી આપુ’ કહીને વૃદ્ધાએ સોનું આપ્યું અને…

સુરત : પરવત પાટિયા ખાતે રહેતી 72 વર્ષીય વૃદ્ધાની દિકરીના પરિચીત રીક્ષા (Auto) ચાલકે વૃદ્ધાની સોનાની ચેઈન (Gold Chain) અને વીટીમાં (Ring) સોનુ વધારીને આપુ કહીને લઈ ગયો હતો. બાદમાં પરત નહીં આવતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં (Police Station) 80 હજારની ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી.

પરવત પાટિયા ખાતે જલારામ સોસાયટીમાં રહેતી 72 વર્ષીય કમલાબેન રામુભાઇ પાંડેની એક દિકરી બબીતા છે. જે ગોડાધરા ખાતે આવેલા પ્રિયંકા સીટી પ્લસ ખાતે રહે છે. અને તે જમીન દલાલીનું કામ કરે છે. ગત 28 ડિસેમ્બરે બપોરે વૃદ્ધા તેમના ભાડાના મકાનમાં હતા. ત્યારે તેમની દિકરી બબીતાએ ફોન કરીને જફરભાઇ સાથે તારા માટે સફરજન મોકલ્યા હોવાનું કહ્યું હતું. તથા જફરભાઈ રોડ પર આવ્યા છે.

વૃદ્ધા ત્યાં રોડ ઉપર જઈને સફરજન લેવા ગયા હતા. જ્યાં જફરભાઈ વૃદ્ધા સાથે તેમના ઘરે આવ્યો હતો. વૃદ્ધાએ જમવાનો આગ્રહ કરતા જફર જમવા બેસી ગયો હતો. બાદમાં બબીતાએ જફરભાઈ સાથે જઈને દવા લઈ આવવાનું કહેતા તેની રીક્ષામાં વૃદ્ધા બેસીને નીકળ્યા હતા. રઘુકુળ ગરનાળા પાસે ડોક્ટરને ત્યાં દવા માટે જતી વખતે રઘુકુળ માર્કેટ પાસે આવેલી ખાડીની બાજુમાં જાફરે દવાખાનું આવી ગયુ છે કહીને વૃદ્ધાને ઉતરી જવા કહ્યું હતું. ત્યારબાદ જાફરે ‘માજી તમે મને આ તમારી સોનાની ચેઇન તથા વીંટી કાઢીને આપો, મારી પાસે એક સોનીનો કોન્ટેક છે તમને આ ચેઇન તથા વીટી મોટી બનાવી આપુ’ તેમ કહ્યું હતું.

જાફરની વાતમાં આવીને વૃદ્ધાએ ચેઈન અને વીંટી આપી દીધી હતી. વૃદ્ધાને માર્કેટના ગેટ પાસે ઉભી રાખી હું સોનીની દુકાને જાઉ તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો. અને કલાકો વીતી ગયા છતાં પરત નહીં આવતા તેની ઉપર શંકા ગઈ હતી. વૃદ્ધાએ બબીતાને જાણ કરતા તેણે જાફરને ફોન કરતા જાફરે પોતે મજાક કરતો હોવાનું કહીને પોતે ચારેક દિવસ બહાર ગામ હોવાથી આવીને આપી દઈશ તેમ કહ્યું હતું. જોકે ત્યારપછી તે ગાયબ હોવાથી અંતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાએ સોનાની ચેઈન બે તોલાની તથા એક વીટી મળી કુલ 80 હજારની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top