ખેરગામ: ખેરગામ (Khergam) તાલુકાના દાદરી ફળિયામાં આવેલા કબ્રસ્તાનની (Cemetery) બાજુમાં રહેતા શાકભાજીવાળા ઈમ્તિયાઝ ગુલામ શેખે 5 વર્ષ પહેલાં હાથ ઉછીના રૂપિયા લીધા હતા. તેણે નિઝામ શેખને અત્યાર સુધીમાં 9 લાખ રૂપિયા જેટલું આપ્યું છે. છતાં સામેવાળાએ 20 ટકા વ્યાજ (Interest) માંગ્યું હતું. આ બાબતે રકઝક થતાં મામલો ગરમાયો હતો.
બાદ તારીખ 11ના રોજ રાત્રે 12:30 વાગ્યે વ્યાજે નાણાં લેનાર શાકભાજીવાળાના ઘરે જઈ ઉછીના રૂપિયા આપનારે હલ્લો બોલાવી દીધો હતો. અને વેપારી નહીં મળતાં તેના પુત્ર રિફાકત ઉર્ફે તલ્હાને ઘર બહાર ઘસડીને કારમાં ઉઠાવી જઈ રૂમમાં ગોંધી દીધો હતો. બાદ બેરહેમીથી માર માર્યો હતો. આ બાબતે ડરી ગયેલા પરિવારે ખેરગામ પોલીસ ઉપર વિશ્વાસ ન હોવાથી નવસારી જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી સાથે ધા નાંખતા હરકતમાં આવેલી ખેરગામ પોલીસે મહેજબીન ઈમ્તિયાઝ શેખની ફરિયાદના આધારે ખેરગામ પટેલ સોનીની ગલીમાં રમેશ સ્ટુડિયોની સામે રહેતા નઇમ નિઝામ શેખ, નિગમ નિઝામ શેખ, નિઝામ નૂરમોહમદ શેખ એમ પિતા પુત્ર ત્રણ સામે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ બીલીમોરા સીપીઆઇ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વાપીના વાઈબ્રન્ટ પાર્કમાં હુક્કો પીતા બે વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો
સુરત: વાપી જીઆઈડીસીના વાઈબ્રન્ટ પાર્કમાં રીતક ટ્રાન્સપોર્ટની બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર બે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વ્યકિત લાકડાના હુક્કાથી પાઈપ દ્વારા હુક્કો પીતા પોલીસે ઝડપી પાડયા હતા. કોરોના વાઈરસ ચેપથી ફેલાતો હોવા છતાં આ રીતે હુક્કો પીતા બે શખ્સોને પોલીસે અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાપી વાઈબ્રન્ટ પાર્કમાં હુક્કો પીતા ઝડપાયેલા બંને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા મૂળ હરયાણાના વતની છે. ફુલકુમાર શ્રીલાલચંદ શર્મા તથા વિનોદ રામવિલાસ શર્મા સામે પોલીસે કોરોના વાઈરસ ફેલાય તે રીતે આ બંને એક જ પાઈપમાંથી હુક્કો પીતા હોવાથી ઝડપી પાડ્યા હતા. ત્રણ ફૂટ ઊંચા લાકડાનો હુક્કો, ચીલમ તેમજ પાઈપ સાથેની સામગ્રી પોલીસે કબજે કરી કાર્યવાહી કરી હતી. આમ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નિરાંતે હુક્કો પીતા બે ટ્રાન્સપોર્ટના માણસોને કોવિડ-૧૯ ફેલાય તેવી સંભાવનાને લઈને હાલ તો પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે.