જુનાગઢ: ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા અન્ય 10 ઈસમો વિરુદ્ધ દલિત યુવકનું અપહરણ કરી તેને માર મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી સંજય રાજુ સોલંકી (ઉં. વ. 26) જુનાગઢમાં દાતાર રોડ પર આર્યસમાજ પાસે રહે છે. પોતે કોરિયોગ્રાફર તરીકે કામ કરે છે. ગઈકાલે તા. 30મી મેના રોજ સંજય પોતાના પુત્રને લઈને બાઈક પર જતો હતો ત્યારે એક કાર સ્પીડમાં તેની નજીક આવી હતી. સંજયે કાર ચાલકને કાર ધીમે ચલાવવાનું કહેતા કારમાં બેઠેલાં લોકો ઝઘડો કર્યો હતો. ત્યારે સંજયે કહ્યું કે, મારા દીકરાને ઘરે મુકી આવું છું પછી ઝઘડો કરવો હોય તો કરીએ.
સંજય ઘરે પહોંચ્યો ત્યારે આ કાર સાથે અન્ય એક મોટી કાર તેના ઘર પાસે આવી હતી. સંજયની ફરિયાદ અનુસાર કારમાંથી જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ તથા બીજા 10 લોકો હતા. તેઓ ઝઘડો કરવાના ઇરાદે કારની નીચે ઉતર્યા હતા. સંજયના પિતા રાજુભાઈ સોલંકી જયરાજસિંહને ઓળખતા હોવાથી તેમણે જયરાજસિંહને ફોન કરી સમાધાન કરાવ્યું હતું. પરંતુ મામલો ત્યાં પૂરો થયો નહોતો.
રાત્રે આશરે 3 વાગ્યા આસપાસ ફરિયાદી યુવક સંજય ઘરની બહાર આંટા મારતો હતો ત્યારે ફરી તે બે કારમાં ગણેશ ગોંડલ અને 10 ઈસમો આવ્યા હતા અને સંજયની બાઈકને ટક્કર મારી તેને જમીન પર પાડી દીધો હતો. કારની બહાર ઉતરી સંજયને માર માર્યો હતો. કારમાં ઉપાડી જઈ તેનું અપહરણ કર્યું હતું. કારમાં બેઠેલા એક ઈસમે પોતે પોલીસ હોવાનું કહી સંજયને ખૂબ માર્યો હતો. બાદમાં એક અવાવરું વાડીમાં નીચે ઉતારી સંજયને માર માર્યો હતો અને જાતિગત અપમાન કર્યું હતું. બાદમાં ફરીથી સંજયને કારમાં બેસાડી દીધો હતો.
સંજયને આ લોકો ગણેશગઢમાં ગણેશ ગોંડલના ઘરે લઈ ગયા હતા. ત્યાં ગણેશ ગોંડલના માણસો પિસ્તોલ વગેરે હથિયારો સાથે હાજર હતા. સંજયને ગણેશ ગોંડલની ઓફિસમાં લઇ ગયા હતા અને તેના કપડાં કાઢી ફરી માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને સંજય પાસે માફી મંગાવી હતી.
ઉલ્લેખનીય છે કે, સંજય સોલંકી જુનાગઢમાં એનએસયુઆઈ (NSUI)નો શહેર પ્રમુખ છે. આરોપીઓએ સંજયને ધમકી આપતા કહ્યું હતું કે જુનાગઢ NSUIમાંથી રાજીનામું આપી દે. ઘટના વિશે કોઈને કહ્યું તો મારી નાંખીશું. આરોપીઓ સંજયને જુનાગઢમાં ભેસાણ રોડ પર કિયા શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યાં હતા.
ભોગ બનાનર દલિત યુવક સંજય સોલંકીએ જુનાગઢ એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે IPC કલમ 143,147,148,148, 307, 355, 323,504,505(2), આર્મ્સ એક્ટની 25(1-b)(a) તેમજ એટ્રોસીટીની કલમ 3(1)(r)(S), 3(2)(5) ફરિયાદ આપી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.