સુરત (Surat) : સુરતનો કુખ્યાત ગુંડો સજ્જુ કોઠારી (Sajju Kothari) જેલમાં બંધ છે ત્યારે તે અને તેના ભાઈ આરીફ કોઠારીએ જે લોકો પર ત્રાસ ગુજાર્યો હતો તેઓ હવે પોલીસને ફરિયાદ આપી રહ્યાં છે. અડાજણ પાટીયા ખાતે દુકાન બાડે રાખી કપડાં વેચનાર ઓલપાડના એક વેપારીએ આરીફ કોઠારીના ત્રાસથી કંટાળી દુકાન બંધ કરી દીધી હતી. હવે આ વેપારીએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે આરીફ અને તેના સાગરિતો સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
ઓલપાડ ખાતે ગોરખુદાવડ, પરા મહોલ્લામાં રહેતા 29 વર્ષીય અંજરઅલી હૈદરઅલી મલેક હાલ ભંગારનો વેપાર કરે છે. અગાઉ તેઓ અડાજણ પાટીયા જીલાની બ્રિજ નીચે અકબરી મેન્સનના નામે ભાડેથી દુકાન રાખી રેડીમેઈડ ગારમેન્ટસનો વેપાર કરતા હતા. ત્યારે 22 માર્ચ 2018 ના રોજ સાંજે તેમની દુકાને આરીફ કોઠારી તથા તેનો દિકરો આફતાફ ઉર્ફે ગોલુ તથા યોગેશ ટંડેલ કપડા ખરીદી કરવા આવ્યા હતા. દુકાનમાંથી 21,600 રૂપિયાના કપડાની ખરીદી કરી પેમેન્ટ આપ્યું ન હતું. બાદમાં હાથ કાંડાની ઘડિયાળ કાઢી લીધી હતી. અને ગલ્લામાં રહેલા રોકડા 15890 રૂપિયા લઈને જતા રહ્યા હતા.
ત્યારબાદ 12 જાન્યુઆરી 2022 ના રોજ બપોરે અંજરઅલી ઘરે જમવા ગયો હતો ત્યારે આફતાબ, યોગેશ ટંડેલ અને મુખ્તયાર શેખ દુકાને ગયા હતા.
દુકાનમાં કારીગર શકીલે શેઠ નથી એટલે ઉધાર મળશે નહીં તેમ કહ્યું હતું. યોગેશ ટંડેલ, આફતાબે ‘એક બાર તુજે સમજાયા, તો સમજા નહી, રાત કો તેરે બાપ આયેંગે, જો તુજે ઓર તેરે શેઠ કો સમજાયેંગે’ તેમ કહી જતા રહ્યા હતા. રાત્રે દુકાન બંધ કરતી વખતે આરીફ, નઝીર અને બીજા બે અજાણ્યા આવીને ‘તુને ફીર સે મેરે આદમી કો કપડે દેને કા મના કીયા, તુઝે તેરી જાન પ્યારી નહી હૈ, અગર તુજે યહા ધંધા કરના હૈ તો હમારે આદમીઓ કો મુફ્ત કપડે દેને પડેંગે, નહી તો આજ સે ધંધા બંધ કર’ તેમ કહી માર માર્યો હતો. અને દુકાનથી 21 હજારના કપડા લઈ જતા રહ્યા હતા. અત્યાર સુધી તેની દુકાનમાંથી 3.28 લાખના કપડા લઈ જઈ પૈસા આપ્યા નથી.
છેલ્લે કંટાળી તેને દુકાન બંધ કરી દીધી હતી. વેપારીએ અંતે આરીફ કોઠારી, આફતાફ ઉર્ફે ગોલુ આરીફ કોઠારી, યોગેશ ટંડેલ (ત્રણેય રહે. સુભાષનગર ઝુપડપટ્ટી, શીતલ સીનેમા પાસે, અડાજણ પાટીયા) તથા નઝીર સઈદ સૈયદ ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ, મુખ્તયાર અખતર શેખ (રહે. શીતલ સીનેમા પાસે, અડાજણ પાટીયા) તથા બે અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.