સુરત : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી કેસમાં ઈડી દ્વારા ગુરુવારે રાત્રે થયેલી ધરપકડના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સવારથી દેશભરમાં આપના કાર્યકરો કેજરીવાલની ધરપકડના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે. સુરતના વરાછામાં આપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. જોકે, વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે આપના 20થી વધુ કાર્યકરોને અટકાયતમાં લઈ લીધા હતા.
આજે સવારે વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આપના રાકેશ હિરપરા સહિતના અનેક નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ તેઓ વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલાં જ પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વેનમાં ઉપાડી ગયા હતા. આપના નેતાઓએ ભાજપ સરકાર કાયર છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અંદાજે 20થી વધુ કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા છે. મંજૂરી વિના રસ્તા પર પ્રદર્શન કરવાના મામલે પોલીસે અટકાયતી પગલાં ભર્યા છે.
અટકાયત દરમિયાન આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી. અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ -કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મૂકી અને ઘર્ષણ સર્જાયું હતું. આપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આપ અને કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધનથી ભાજપ સરકાર ગભરાઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ હાર પામી ગઈ છે. ભાજપ કાયર છે. સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને જેલભેગા કરી ચૂંટણી જીતવાનો ભાજપ કારસો રચી રહી છે.
આજે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાશે
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે પીએમએલએ (PMLA) હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસ માટે ધરપકડ કરી હતી. કેજરીવાલને આજે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ED પૂછપરછ માટે તેમની કસ્ટડી માંગશે. દિલ્હીના મુખ્યમંત્રીએ ગુરુવારે મોડી રાત્રે પોતાની ધરપકડને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ સુપ્રીમ કોર્ટ પણ આજે આ મામલે સુનાવણી કરશે.