યંગસ્ટર્સને રીલ્સ બનાવવાનો ખૂબ શોખ છે. ઘણીવાર રીલ્સ બનાવવા માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકી દે છો તો ક્યારેક જાણ્યે અજાણ્યે નિયમ-કાયદાનો ભંગ કરે છે. પરિણામે યુવાનોને જેલના સળિયા ગણવાનો વારો આવતો હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. રીલ બનાવવાના શોખીન એક યુવાને પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસી રીલ બનાવતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવક રાંદેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસી ફોટો પાડ્યો હતો. આ ફોટો યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેના બેકગ્રાઉન્ડમાં યમરાજ સે અપની યારી હૈ… ગીત વાગી રહ્યું હતું. યુવકની પોસ્ટને સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ પસંદ કરી હતી. તેને ખૂબ લાઈક્સ મળ્યા હતા. અનેક કોમેન્ટ આવી હતી. તેથી યુવક ખુશ થયો હતો પરંતુ તેને શું ખબર હતી કે તેને કાયદો તોડ્યો છે.
સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે પ્રખ્યાત આ યુવકનું રીઅલ નામ યોગેન્દ્ર રાજ છે. તે કલર કામ કરે છે. મૂળ યુપીનો છે. આઠ મહિના પહેલાં રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કલર કરી રહ્યો હતો ત્યારે ખુરશી પર બેસી તેણે ફોટો પાડ્યો હતો. જે બાદમાં પોસ્ટ કરતા વાયરલ થયો હતો. આ પોસ્ટ રાંદેર પોલીસના ધ્યાન પર આવતા પોલીસે તેને પક્ડયો હતો. કાન પકડી માફી મંગાવી હતી. આ સાથે સુરત સિટી પોલીસના ઈન્સ્ટાગ્રામ પેજ પર Before-Afterનો વીડિયો પણ પોલીસે શેર કર્યો હતો, જેમાં યુવક માફી માંગતો નજરે પડે છે.
આરોપી કાન પકડીને હિન્દીમાં કબૂલાત કરે છે કે, 6-7 મહિના અગાઉ રાંદેર પોલીસ મથકમાં રાત્રે કલરકામ માટે આવ્યો હતો, ત્યારે તેનાથી ભૂલ થઈ છે. ભૂલથી ખુરશી પર બેસી ગયો હતો. તેનો વીડિયો વાયરલ થઈ ગયો. તેના માટે માફી માગું છુ, આગળ આવી ભૂલ નહીં થાય. મારી વિરુદ્ધ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં અન્ય કેસ નથી.
ઉલ્લેખનીય છે કે, યુવકનો વીડિયો વાયરલ થયા બાદ રાંદેર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ યુવકનો સમાજવાદી પાર્ટીની રેલીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ, કારણ કે તે આવી રેલીઓમાં પણ જોવા મળ્યો છે. આ ધરપકડ દર્શાવે છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે.
હેરાનીની વાત એ છે કે થોડા દિવસો અગાઉ જ દારૂના નશામાં આ જ યુવકને પકડ્યો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ એ સમયે તેણે પોતાનું નામ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલરકામના પૈસા બાકી છે. એ સમયે તેની પોલીસ ચોપડે નોંધ પણ કરવામાં આવી હતી.
દારૂના નશામાં પકડાયા બાદ આ વીડિયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જોકે આ વીડિયો 4 ડિસેમ્બર 2024નો હતો, પરંતુ તે હાલમાં જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે આ આરોપીએ માત્ર રાંદેર પોલીસ સ્ટેશનમાં જ નહીં, પરંતુ એક રેલવે પોલીસ સ્ટેશનની બહાર પણ ફોટોસેશન કરીને તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી.