આરટીઆઈની આડમાં અધિકારીઓ-બિલ્ડરોને રંઝાડી પોતાના મનસૂબા પાર પાડતા ખંડણીખોરો સામે આખરે પોલીસે કડક તેવર અપનાવ્યા છે. જેમાં સાપ્તાહિક ન્યુઝ પેપરો તથા પખવાડીક મેગેઝીન ચલાવી શહેરના બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ કરતાં લોકોની વિરુદ્ધમાં આરટીઆઈ કર્યા બાદ પૈસાની માંગણી કરતા હોય છે અને જો પૈસા આપવામાં ન આવે તો ન્યુઝ પેપરમાં છાપીને બદનામ કરવાની સાથે વધુ પૈસાની માંગણી આપી ધમકી પણ આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.જેથી આખરે પોલીસ કમિશનરએ આખરે લાલ આંખ કરી છે.પોલીસે એક જ દિવસમાં અલગ અલગ પોલીસ મથકમાં તોડબાજ બોગસ પત્રકારો અને આરટીઆઈ એક્ટીવીસ્ટ સામે 11 થી વધુ ગુનાઓ દાખલ કરતા લે ભાગુ અને તોડબાજ પત્રકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શહેર આખામાં આરટીઆઈનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ખંડણીખોરો પાલિકાના અધિકારીઓ, બિલ્ડરોને બાનમાં લે છે. ગેરકાયદે બાંધકામ હોવાના નામે દમદાટી આપી બાંધકામ તોડાવી દેવાની ધમકી અપાઈ છે. આ રીતે બ્લેકમેલિંગ કરી લાખો રૂપિયા ખંડણી વસૂલવાના ખેલ ચાલી રહ્યા છે. શહેરના દરેક વિસ્તારોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ્સનો રાફડો ફાટ્યો છે.બીજી તરફ સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આરટીઆઇના નામે ખંડણી વસૂલનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે પોલીસ કમિશ્નરથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી.બિલ્ડરો પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ્સથી તોબા પોકારી ઉઠ્યા હતા. આખરે પોલીસ કમિશ્નરે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી નકુમને આ મામલે તપાસ સોંપી હતી અને આખરે પોલીસે ખંડણીખોરોનો સફાયો કરવાનું અભિયાન ઉપાડયું છે.જે અંતર્ગત પહેલો ગુનો લાલગેટ પોલીસમાં નોંધાયો છે. લાલગેટ પોલીસે મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધી એલર્ટ ન્યુઝના શેખ મોહમદ સાકીર શબ્બીર મીયાં શેખની ધરપકડ કરી હતી. ત્યારે અઠવા-મહિધરપુરા-લાલગેટ પોલીસે એક જ દિવસમાં તોડબાજ બોગસ પત્રકારો અને આરટીઆઈ એક્ટીવીસ્ટ સામે 11 થી વધુ ગુનાઓ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
10000 થી માંડી 50000 સુધીની માંગણી કરાઈ
શહેરના મહિધરપુરા ખાતેની નાગર શેરીમાં રહેતા ચિરાગકુમાર ઘનશ્યામભાઈ પટેલએ જણાવ્યું હતું કે તેમનું લાલ દરવાજા અમીશા ચાર રસ્તા પાસે વૈરાગીની વાડી પાસે તેઓની જમીનમાં એલિમેન્ટ હોટલ નું બાંધકામ ચાલુ હતું. આ દરમિયાન સેવન સી ન્યુઝ પેપર ચલાવતા મુસ્તાક હુસૈન બેગ તથા હબીબૂર રહેમાન ઉર્ફે હબીબ સૈયદ રાંદેર રોડ પર તાડવાડી ખાતે પટેલ પાર્કમાં રહેતા રમેશ કિશનલાલ જાંગીડ આફતાબ શેખ, અકબર શહીદના ટેકરો મુલતાની ડેલીમાં રહેતા જાવેદ ચાંદભાઈ શેખ અને તલહા ચાંદીવાલા સામે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે આ તમામ લોકોએ ભેગા મળી તેઓની એલિમેન્ટ હોટલનું બાંધકામ ગેરકાયદેસર હોવાની અરજીઓ કરી અને વારંવાર આરટીઆઈ કરી તેઓને હેરાન પરેશાન કરતા હતા અને જો આ બાંધકામ કરવા દેવું હોય તો અલગ અલગ વ્યક્તિ દ્વારા રૂપિયા ૧૦,૦૦૦ થી માંડી ૫૦,૦૦૦ સુધીની માંગણી કરવામાં આવી હતી.જેથી મહીધરપુરા પોલીસે ચિરાગભાઈની ફરિયાદના આધાર પોલીસે અલગ અલગ તોડબાજ અને કહેવાતા પત્રકારો સામે અલગ અલગ છો ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બાંધકામ તોડાવી નાખ્યું હતું
શહેરના દિલ્હી ગેટ ખાતે સિનેમા રોડ પર લક્કડકોટ વિસ્તારમાં હેરિટેજ કોમ્પલેક્ષમાં રહેતા ૫૦ વર્ષીય શબ્બીર જાફરભાઈ લોખંડવાલાએ પણ લાલગેટ પોલીસ મથકમાં કહેવાતા અને તોડબાજ હબીબૂર રહેમાન ઉર્ફે હબીબ સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓ જણાવ્યું હતું કે સબીરભાઈની બાંધકામવાળી જગ્યા ગેરકાયદેસર હોવાનું કહીને અવારનવાર પૈસાની માંગણી કરી આરટીઆઇ હેઠળ ખોટી અરજીઓ કરી તેમનો તથા તેના મિત્રનો બાંધકામ તોડાવી નાખ્યું હતું અને કોર્ટમાં પણ તેઓને વિરોધમાં ખોટી ફરિયાદ કરી માનસિક રીતે હેરાન પરેશાન કર્યા હતા. જેથી પોલીસે લાલગેટ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મિલકતો તોડાવી નાખવાની ધમકીઓ પણ આપતા હતા
શહેરના કોર્ટ સફિલ રોડ પર નવાપુરા ખાતે નાગરદાસની શેરીમાં રહેતા જરી વ્યવસાઈ નરેશભાઈ કીકાભાઈ જરીવાલાએ પણ અઠવા પોલીસ મથકમાં ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ એલર્ટ ન્યુઝના તંત્રી સાકીર શેખ સામે ફરિયાદ કરી હતી. તથા સમાચાર મંચ ન્યુઝના સૈયદ હબીબ અને સેવન સી ન્યુઝ પેપરના તંત્રી મુસ્તાક હુસૈન બેગ સામે ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ૨૦૨૩ માં ડિસેમ્બર પહેલા કતારગામ સબ ડિસ્ટ્રિક્ટ સંધાડીયાવાડ તથા ગોપીપુરા વિસ્તારમાં વોર્ડ નંબર આઠમાં આવેલ જૂની મિલકતમાં સ્થાનિકો દ્વારા બાંધકામ કરવામાં આવતો હતો. ત્યારે આ તમામ લોકોએ ભેગા મળી અલગ અલગ ન્યુઝપેપરોમાં અલગ અલગ મથાળા સાથે મિલકત સાથેની અવારનવાર ફોટા પ્રસિદ્ધ કરી રૂપિયાની માંગણી કરતા હતા. એટલું જ નહીં જો પૈસા નહીં આપો તો મિલકતો તોડાવી નાખવાની ધમકીઓ પણ આપતા હતા.જેથી જરી વ્યવસાઈની ફરિયાદના આધારે અઠવા પોલીસે તમામ સામે ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલિકાની એક મહિલા કર્મચારી મિલકતોના નકશા પોતાના ભાઈને આપતી હતી
આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP રાજદિપસિંહ નકુમએ જણાવ્યું હતું કે પાલિકાની એક મહિલા કર્મચારી રૂબીના મુસ્તાક હુસેન વિરુદ્ધ અમને એક ફરિયાદ મળી છે.જે મુસ્તાક હુસેનની બહેન છે અને તે આરોપીઓમાં સામેલ છે. પ્રાથમિક વિગતો મુજબ તે મિલકતોના નકશા પોતાના ભાઈને તાત્કાલિક આપી દેતી હતી, જેનાથી તેના ભાઈ આરટીઆઇના દુરુપયોગ દ્વારા ખંડણી વસૂલતા હતા.આ સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવશે.આરોપીઓના મોબાઇલ કબ્જે કરીને તેમના કોલ ડિટેલ્સ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.
