ગાંધીનગર: પયગંબર વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે ગુજરાત(Gujarat) સહિત અનેક રાજ્યોમાં આતંકી હુમલા(Terrorist Attack)ની ધમકી આપવામાં આવી છે. અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી(UP), મુંબઈ(Mumbai) અને દિલ્હી(Delhi)મા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીનાં પગલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશના તમામ રાજ્યોમાં શાંતિ જાળવવા તેમજ અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા માટે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે.
તમામ પોલીસ વિભાગને એલર્ટ કરાયા
ધમકીના પગલે ગુજરાત પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતની જનતાને વિનંતી કરી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરે. ગૃહ વિભાગના ACS રાજકુમારે જણાવ્યું કે ગુજરાતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ સ્પષ્ટતા કરી છે અલકાયદાની ધમકી મળી છે. પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડની મદદથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પ્રકારના સાવચેતીના પગલા ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.
બોર્ડર પર પણ ચાંપતો બંદોબસ્ત
ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી SP દ્વારા SOG સહિતના પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ લોકો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. વધુમાં SP એ સબંધિત પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા સુચના આપી છે.
રથયાત્રાને લઈ ખાસ પોલીસ સિક્યોરીટી
આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર આવી રહ્યો છે અને આ વર્ષે તો ભગવાન જગન્નાથ ભક્તો સાથે નગરચર્યાએ નીકળવાના છે એટલે પોલીસ એકશનમાં આવી ગઈ છે. સામાન્ય રીતે આતંકીઓ ભીડ-ભાડવાળા સ્થળોને જ ટાર્ગેટ બનાવે છે. જેથી પોલીસ સુરક્ષામાં કોઈ ચૂક કરવા માંગતી નથી. પોલીસ તંત્રએ રથયાત્રા માટે પણ ખાસ સિક્યોરીટી ઉભી કરી છે. 1 હજારથી પણ વધારે કેમેરા રાખવાનું પ્લાનિંગ છે. જેમાં બોડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા પણ હશે. આ વખતે રથયાત્રામાં આધુનિક ઇક્વિપમેન્ટના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. રથમાં જીપીએસ સિસ્ટમ હશે. આ ઉપરાંત ડ્રોનથી ચોતરફ નજર રાખવામાં આવશે. જો કે ડ્રોન સાથે તાલીમ પામેલ વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરવા વિચારણા કરી રહી છે. જે રથયાત્રાના માર્ગ પર હવાઈ નિરીક્ષણ કરશે.