નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ગ્રીડથી પોલીસે (Police) વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જોકે ભટ્ટાઇ ગામ પાસે પાયલોટીંગ કરનાર કારના ચાલકે દારૂ ભરેલી કારને ટક્કર મારતા પોલીસે 72 હજારના વિદેશી દારૂ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 3ને પોલીસે (Police) વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે હાઇવે ઉપર ફનસીટી હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી પાયલોટીંગ કરનાર કાર (નં. જીજે-05-સીએલ-0828) અને વિદેશી દારૂ ભરેલી કાર (નં. એમએચ-43-એઆર-2070) આવતા પોલીસે તેઓને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ બંને કારના ચાલકોએ કાર પુરઝડપે હંકારી દેતા પોલીસે તે બંને કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.
દરમિયાન પાયલોટીંગ કરતા કારના ચાલકે વિદેશી દારૂ ભરેલી કાર સાથે અથડાવી દીધી હતી. જેથી પાયલોટીંગ કરનારે કાર ઉભી રાખી દેતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂ ભરેલી કારના ચાલકે કાર ગ્રીડ સ્વામીનારાયણ મંદિરથઇ બારડોલી રોડ તરફ હંકારી મુકતા પોલીસે તે કારનો પીછો કરી ભટ્ટાઇ ગામના પાટિયા પાસે વિદેશી દારૂ ભરેલી કારનો ચાલક કાર મૂકી નાસવા જતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો.
પોલીસે કારની તપાસ કરતા તેમાંથી 72 હજારના વિદેશી દારૂની 288 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે મહારાષ્ટ્ર નવી મુંબઈ થાણે નીરુલવાસીમાં રહેતા સંજય રંગરાવ પાટીલ, સુરત સરથાણા પાસોદરા ઓમ ટાઉનશીપમાં રહેતા ભાવેશ જયસુખભાઈ મોરવડીયા, સુરત કામરેજ સોમેશ્વરવિલામાં રહેતા મહેશ ચીમનભાઈ પરમાર તેમજ મૂળ મહારાષ્ટ્ર દોલતપરા ગામે અને હાલ સુરત કામરેજ સોમેશ્વરવિલામાં રહેતા મોહમદ ઝુમાભાઈ પીપરવાડીયાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા મહારાષ્ટ્ર નવી મુંબઈ થાણે નીરુલવાસીમાં રહેતા સુરજ વિલાશ કામલે, કિરણ દેવ વણકર અને દારૂ ભરાવનાર વિપિન તુરડેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 6 લાખની વિદેશી દારૂ ભરેલી કાર, 3 લાખની પાયલોટીંગ કરતી કાર અને 20,500 રૂપિયાના 4 મોબાઈલ મળી કુલ્લે 9,90,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.