વડોદરા : ચોલામંડલમ ફાઈનાન્સ કંપનીમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને ૭. ૭૦ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાના ગુનામાં બેંકના કર્મચારીઓ વેલ્યુએશનર સહિતનાઓની સંડોવણી સપાટી ઉપર આવી હતી. બેંક અધિકારીઓ ખુદ પોલીસ સ્ટેશનના ચક્કર કાપીને થાક્યા બાદ કોર્ટમાં ઘા નાખી હતી. અદાલતે ગુનો નોંધવાનો હુકમ કરતા જ ગોત્રી પોલીસે 22 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો ગુનો દાખલ કરતા ખળભળાટ મચી ગયો હતો. આરસી દત્ત રોડ સ્થિત સેન્ટર પોઇન્ટ માં આવેલ ચોલામંડલમ ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડમાં ભેજાબાજો ની ઠગ ટોળકીએ રસ્તે ચાલતા ગ્રાહકો ઊભા કરીને જંગી રકમની લોનનું કૌભાંડ આચર્યું હતું.
સરકારે બજાર ભાવની નક્કી કરેલી જંત્રી મુજબના ભાવ કરતાં બમણા ભાવ ગણીને મીલકતોની ઉચી વેલ્યુ બતાવી હતી. તેવી ફાઇલોને બેંકમાં ફરજ બજાવતા નિતીન રાજપુત આકાશ શાહ કમલેશ ગુપ્તા અને આકાશ ફૂલવાડીએ તમામ વિગત જાણતા હોવા છતાં લોન પાસ કરાવવામાં મદદ કરી હતી.અત્યંત આયોજન બદ્ધ રચેલા કાવતરામાં લારી ગલ્લાં વાળા, પાથરના વાળા, તેમજ પર્સનલ લોન લેનારા તદ્દન મધ્યમ વર્ગના અજાણ્યા લોકોના નામે મિલકત વેચાણનું લોન કૌભાંડ રચાયું હતું. બેંકમાં વેલ્યુએશનર ધર્મેશ કલાથીયા અને ધર્મ બી શાહની ભેદી ભૂમિકા સપાટી પર આવી હતી. જે તે વિસ્તારની પ્રોપર્ટી ની વેલ્યુએશન સામાન્ય હોય ટીવી મિલકતોના વેલ્યુએશન ના ઉચ્ચા રીપોર્ટ બનાવી ને બેંકમાં રજૂ કર્યા હતા. બેંક સાથે લોન નું કામ કરતા મહીલા સહિતના કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડો રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. કેટલીક લોનમાં મંજૂર થયેલી રકમના નાણાં એજન્ટો કોન્ટ્રાક્ટરો અને ફ્રીલાન્સર ના ખાતામાં પણ સગેવગે કરાયા હતા.
ભેજાબાજોનો ભાંડો ફુટયા બાદ બેંક સત્તાવાળાઓએ ગોત્રી પોલીસ ને વારંવાર લેખિતમાં જાણ કરી હતી કરોડનું કૌભાંડ જાણવા મળ્યા છતાં પોલીસ તંત્રે ઉદાસીનતા દાખવી હતી બનાવ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાઇ હતી છતાં કોઈ પરિણામ ન મળતાં બેંક અધિકારીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અદાલતે તમામ પુરાવા ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવા પોલીસને હુકમ કર્યો હતો. કૌભાંડની અરજી સુદ્ધાં ધ્યાને ન લેનાર ગોત્રી પોલીસે રાતોરાત ગુનો દાખલ કરી દે ૩ થી ૪ શકમંદોની અટકાયત કરી ગુનાની તપાસ હાથ ધરી હતી.
બેન્કના ચાર કર્મચારી
નિતીન રાજપુત રહે દર્શનમ ઉપવન બાપોદ.
આકાશ શાહ રહે. વોર્ડ ઓફિસની ગલીમાં, પાણીગેટ.
કમલેશ ગુપ્તા, આકાશ ફૂલવાની (બંને રહે: સંવાદ વસાહત, એર પોર્ટની સામે, હરણી રોડ)
ભેજાબાજ વેલ્યુએશનર
(૧) ધર્મેશ કલથીયા : પોપ્યુલર સેન્ટર અમદાવાદ.
(૨)ધર્મ બી શાહ : ઉમા દર્શક અર્કેડ નવસારી, બનાવટી દસ્તાવેજો ઉભા કરનાર, ખોડીયાર ફાઈનાન્સ કન્સલ્ટન્સી ના સંચાલક
સન્ની ઠક્કર : અયોધ્યા નગરી ગોત્રી.
સંદીપ તિલક, યોગેશ પટેલ, અમિત શર્મા, અશોક ઠક્કર,કલ્પના વસાવા, ભરત જયસ્વાલ,ધમલ ધમેજની, પ્રકાશ માલી, સ્મિતા રાણા, અમિત પુવાર, કિશન ઇન્કા, રવિકુમાર પરમાર, દીપીકા વણકર, અને જયેશ પરમાર લાન્સર એડિશનલ વર્ગના કોન્ટ્રાક્ટરો છે.
આરોપીઓમાં અનેક વ્યાજખાઊં કરોડો રૂપિયા ૮ થી ૧૦ ટકાએ ફેરવે છે
ચોલામંડલમ ના કૌભાંડમા સંડોવાયેલા કેટલાક આરોપીઓ તો અઢળક માલેતુજાર છે ઉંચી વગ ધરાવતા રાજકારણીઓના તેમજ ઉચ્ચ અધિકારીઓના બેનંબરી નાણા ઓછા વ્યાજે લઈને ઊંચા વ્યાજે ફેરવે છે તેઓના કાળા ગોરખ ધંધા ઉપર ઢાંકપિછોડો કરવા માટે સમી સાંજથી જ ગોત્રી પોલીસ મથકમાં શહેરના વગદાર વ્યક્તિઓ તેમના મળતિયાઓ ને બચાવવા મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. કોઈપણ પ્રકારના ધીરધારના લાયસન્સ વગર વગદાર લોકોના છત્રછાયામાં મજબૂર અને ગરીબોને ઊંચા વ્યાજે નાણાં આપીને જીવનભર ની કમાણી ચૂસી લે છે. પોલીસે દરેક આરોપીઓની આવકના સ્ત્રોત ના તમામ પુરાવા તરફ ઊંડી તપાસ હાથ ધરે તો અનેક મોટા માથાઓની પણ સંડોવણી સપાટી ઉપર આવે તેમ જણાય છે. બેંકના જ કર્મચારીઓ અને વેલ્યુએશનરો ના મેળાપીપણામાં સમગ્ર કૌભાંડ લાંબા અરસાથી ચાલી રહ્યું હોવાથી છેતરપિંડીનો આંકડો હજુ પણ મોટો થવાની પોલિસ આશંકા સેવી રહી છે.