આપણા વડાપ્રધાને ફ્રાંસની બે દિવસની મુલાકાત લીધી. આ એ જ ફ્રાંસ છે જ્યાં એકદમ નજીકના ભૂતકાળમાં જબરદસ્ત રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને અડધું ઉપર ફ્રાંસ આગજનીમાં સપડાયું હતું. એ હિસાબે જોઈએ તો વડાપ્રધાનની ફ્રાંસ મુલાકાત થોડી આશ્ચર્યજનક ગણાય. ખેર, તેમનું ફ્રાંસમાં અત્યંત ઉમળકાભર્યું સ્વાગત થયું અને ફ્રાંસના ભારતીય સમુદાયને તેમણે અલગથી સંબોધિત પણ કર્યા. સૌથી મહત્ત્વનું કંઈ હોય તો તે ૨૬ રાફેલ એમ ફાઇટર જેટ અને ત્રણ સ્ક્રોપિન સબમરીનની ખરીદીનો સોદો છે, જે આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વનો છે તે અંગે ચર્ચા ચાલી રહી છે. વળી તેમણે ફ્રાંસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં, બાસ્ટીલ ડે પરેડમાં પણ ભાગ લીધો અને ભારતીય રાષ્ટ્રીય દળોએ પણ ભાગ લીધો. જે રીતે વિદેશોમાં આપણા વડાપ્રધાનને માન મળી રહ્યું છે તે દેશ માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત કહી શકાય પરંતુ વિરોધ પક્ષોએ જે માન મળી રહ્યું છે તે પચાવી શકતા નથી તેને દેશની કમનસીબી નહીં તો બીજું શું કહેવાય ? વિરોધ પક્ષોને તો એક જ વાતમાં રસ છે કે ક્યારે લોકસભાની ચૂંટણી થાય અને તેમનો ગઠબંધનથી પક્ષ વિજયી નિવડે અને મોદીને સત્તા પરથી હટાવી દેવામાં સફળતા મળે. વિરોધ પક્ષના દરેક નેતાને પોતાનો અંગત સ્વાર્થ છે, દેશનું ભલું વળી કઈ બલાનું નામ છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
મેઘાની મહેર કે કુદરતનો કહેર?
જૂન મહિનો અને જેઠ મહિનાની શરૂઆત થાય એટલે વરસાદ ઝરમર ઝરમર વરસે. ખેડૂતો રાજી થાય અને અષાઢ મહિનામાં રથયાત્રાથી મેઘાની હેલી થાય. ખેડૂતો વાવણીનો પ્રારંભ કરે. ખાલી ડેમો ભરાવા માંડે. આખા અષાઢમાં શ્રીકાર વરસાદ પડવાથી ખેતીને ફાયદો થાય. ચોમેર હરિયાળી જ હરિયાળીથી લોકો આનંદિત થાય. છાપામાં હેડલાઈન બને ‘મેઘાની મહેર. ગુજરાતમાં અમુક વિસ્તારમાં મહેર થઈ છે તો ઉત્તરના હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ વિસ્તારમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. વધુ વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે.
ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં મેઘાએ કહેર મચાવ્યો છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વધુ પડતા વરસાદને કારણે ડેમો છલકાયા છે.પરિણામે દિલ્હીમાં પૂર આવ્યા. યમુના નદીમાં પૂર આવવાથી દિલ્હી જળમગ્ન બની ગયું. આજે કહેવામાં આવે છે કે યમુનાનાં પાણી લોકોનાં ઘરો સુધી પહોંચી ગયાં.આવી પરિસ્થિતિ સમગ્ર દેશમાં નિર્માણ થઈ રહી છે.મોટા પાયા પર નદીનું પુરાણ થઈ રહ્યું છે. લોકોએ નદીના પટ પર રહેણાંક બનાવી દીધા છે. નદીનું પાણી આપણાં ઘરે આવ્યું નથી. આપણે નદીના કિનારે અતિક્રમણ કરીને નદીઓને સાંકડી બનાવી દીધી છે. માનવ કુદરતનું રક્ષણ કરશે તો કુદરત માનવનું રક્ષણ કરતું આવ્યું છે અને કરતું રહેશે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે