ગોધરા: વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ જાહેરાત કરી હતી કે કોરોના સમયગાળા દરમિયાન જે બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને પી એમ કેર ફોર ચિલ્ડ્રન ફંડ હેઠળ સહાયતા આપવામાં આવશે તેના અનુસંધાને આજ રોજ ગોધરા સેવા સદન કલેકટર કચેરી ખાતે કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા પ્રમુખ કામિનીબેન સોલંકી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જે.પી.પંચાલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એચ. લખારા સાથે વિવિધ સબંધીત અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન કાર્યક્રમ યોજાયો હતો. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના બે લાભાર્થી બાળકોને ચાવીરૂપ દસ્તાવેજો સુપરત કરવામાં આવ્યા હતા.
જેમાં માનનીય પ્રધાનમંત્રી તરફનો પત્ર, સ્નેહ પત્ર, પાસબુક, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત પંચમહાલ જિલ્લાના બંને બાળકોને નીચે મુજબના લાભ મળવા પાત્ર થાય છે જેમાં બાળકની અઢાર વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારની સ્પોન્સરશિપ યોજના અંતર્ગત માસિક 2000 રૂપિયા સહાય આપવામાં આવશે, જિલ્લાના બંને બાળકો પૈકી એક બાળકને મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં રૂપિયા ૪૦૦૦ અને બીજા બાળકને પાલક માતાપિતા યોજના અંતર્ગત ૩૦૦૦ રુપીયાનો લાભ મળે છે. અનાથ થયેલ બાળકને એક્સ ગ્રેસીયા સહાય અંતર્ગત રૂપિયા ૫૦ હજારની સહાય ચુકવવામાં આવી છે. બંને બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ પણ આવરી લેવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે બાળકે માતા પિતાના દેહાંતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા ન હોય તેવા બાળકોને લાભ મળ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા બાળકોની વ્યાપક સંભાળ અને રક્ષણ સુનિશ્વિત કરે છે જેમણે કોરોના રોગચાળાના કારણે પોતાના માતાપિતા ગુમાવ્યા છે. આવા બાળકોને આરોગ્ય વિમા દ્વારા એમની સુખાકારીને સક્ષમ બનાવવા અને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવા તથા તેમને આત્મનિર્ભર અસ્તિત્વ માટે સજજ કરવા. આ સાથે ૨૩ વર્ષની ઉંમરે પહોંચવા પર નાણાકીય સહાય સાથે ભીમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અન્ય બાબતો સાથે આ બાળકોને કન્વર્ઝન્ટ અભિગમ, શિક્ષણ, આરોગ્ય ૧૮ વર્ષની ઉંમરથી માસિક સ્ટાઇપેન્ડ અને ૨૩ વર્ષની ઉંમરે પહોંચવા પર ૧૦ લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવશે.
આ સાથે આવા બાળકોને અઢાર વર્ષની ઉંમર સુધી આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્ય વીમો આપવામાં આવશે. ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સેન્ટ્રલ સ્કૂલ અથવા ખાનથ શાળામાં દાખલ કરવામાં આવશે. જો બાળકને ખાનગી શાળામાં પ્રવેશ અપાય છે તો આર ટી આઇના નિયમો હેઠળ આવરી લેવાશે જેમાં યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચ પણ આ યોજના ભોગવશે. આજે આ યોજના કોવિડ મહામારીમાં પોતાના માતાપિતા ગુમાવનાર બાળકો માટે આશીર્વાદ સમાન બની છે.