વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈએ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ના લોકાર્પણની સાથે ગુજરાતમાં અનેકવિધ 8 વિકાસ પ્રોજેકટનું નવી દિલ્હીથી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી 16મીએ બપોરે ૪ વાગ્યે આ અદ્યતન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. જેમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેફોર્મ છે.
આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એર-કન્ડિશન્ડ મલ્ટિપર્પસ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વિડીયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા 105 મીટર લાબું કોલમ વગરનું એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે. આ સ્ટેશન દિવ્યાંગોને 100% સાનુકૂળ છે.‘ગરુડ’ (ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવેલપમેન્ટ કો.લિ.), ગુજરાત સરકારની 74% અને રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી આ કેપિટલ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.
‘મહાત્મા ગાંધી કન્વેનશન સેન્ટર કોમ્પ્લેક્સ’થી અત્યંત નજદીકમાં અને અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 20 મિનિટના અંતરે મહાત્મા મંદિર ખાતે બિઝનેસ સમિટ માટે આવતા મહાનુભાવો, પ્રતિનિધિઓ માટે અથવા આ સ્થળે યોજાતી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ કોન્ફરન્સને ધ્યાને રાખીને આ સમિટ-સેમિનારમાં સામેલ થનારા ડેલિગેટ્સની સુવિધા માટે અત્યાધુનિક પંચતારક હોટલનું આ રેલવે સ્ટેશનની પાસે 7400 ચો.મીટરમાં અંદાજિત રૂ.790 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. 318 રૂમ ધરાવતી આ હોટલમાં રહેવાની બેજોડ વ્યવસ્થા છે; જે ‘મહાત્મા મંદિર’ ખાતે આવનારા વિવિધ ડેલિગેટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ છે. જેનું લોકાર્પણ પણ મોદી કરશે.