SURAT

PM મોદી માટે સુરત કિલ્લામાં ફેરવાયું, લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, આ રસ્તા બંધ રહેશે

સુરતઃ આગામી તા. 17 ડિસેમ્બરને રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સુરત (Surat) પધારી રહ્યા છે. અહીં તેઓ વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું (Surat Diamond Bourse) ઉદ્ઘાટન કરનાર છે. વડાપ્રધાનને આવકારવા શહેર થનગની રહ્યું છે તો બીજી તરફ વડાપ્રધાનની સુરક્ષા (Security) માટે સુરત પોલીસે (Police) શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ આવી રહ્યાં છે. તેમની સુરક્ષા માટે સુરત પોલીસ દ્વારા 3 હજાર પોલીસ કર્મચારીઓ, 1800 હોમગાર્ડ, 550 ટીઆરબી જવાનો તૈનાત કરવાનું આયોજન કરાયું છે. શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન જે વિસ્તારમાંથી પસાર થશે તે વિસ્તારને શહેર પોલીસ દ્વારા “નો ડ્રોન ફ્લાય”ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો અવરજવર કરી શકશે.

શહેર પોલીસ દ્વારા વિશેષ બે રૂટ ડાયવર્ઝન જાહેર કરાયા છે. ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન GIDC ગેટ નંબર એક સુધી આવતા -જતા વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ.કે.ચાર ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મૂકાયો છે. સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે જ શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો, પલસાણા, કડોદરા ,કામરેજ, કીમ ચોકડી થી ડાબે ટર્ન લઈ સાયણ, વેલંજા, સાયણ ચેકપોસ્ટ, ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે.

પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઇડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉધના દરવાજા જઈ શકશે. ઉધના દરવાજા થી ડાબી ટર્ન લઈ રીંગરોડ ,અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટર્ન લઈ પાલ પાટીયા, ઓએનજીસી ચાર રસ્તા થી હજીરા તરફ જઈ શકશે. હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબી ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ, વેલંજા,સાયણ, કીમ ચોકડી થી પલસાણા તરફ જઈ શકશે. પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર ચાપતી નજર રાખવામાં આવશે.

Most Popular

To Top