ભાવનગર: સુરતના લિંબાયત વિસ્તારમાં સવારે ભવ્ય રોડ શોમાં સામેલ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે વિમાન માર્ગે ભાવનગર ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) ભાવનગર (Bhavnagar) એરપોર્ટ પર પહોંચ્યા બાદ ત્યાંથી અઢી કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ અહીં 1000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સુરત બાદ વડાપ્રધાને ભાવનગર, બોટાદ અને અમરેલીમાં 6 કરોડથી વધુ વિકાસકાર્યોની ભેટ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, એક તરફ જ્યાં દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કર્યાં છે ત્યાં બીજી તરફ આ જ વર્ષે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. 300 વર્ષમાં ભાવનગરે ઘણો વિકાસ કર્યો છે. ભાવનગરે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. ભાવનગરનું બંદર આત્મનિર્ભરભારતનું પ્રતિક છે. આ બંદરે ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે. રોજગારીની સૈંકડો ઉભી કરશે. સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સંબંધિત બિઝનેસ અહીં વિસ્તરશે. ગુજરાતમાં ઉર્જા આધારિત અનેક પ્રોજેક્ટ શરૂ થયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ રમૂજી અંદાજમાં ભાવનગરના ગાંઠીયા પણ યાદ કર્યા હતા. મોદીએ કહ્યું કે જ્યારે હું ગાંઠિયા ખાવ ત્યારે મને હરિસિંહ કાકાની યાદ આવે છે.
આ પ્રસંગે વડાપ્રધાને ભાવનગરવાસીઓની માફી પણ માંગી હતી. વડાપ્રધાને કહ્યું કે હું લાંબા સમય બાદ ભાવનગર આવ્યો છું જે બદલ હું તમારી માફી માંગુ છું. આ તબક્કે મોદીએ લોથલને યાદ કરતા કહ્યું કે લોથલ આપણી વિરાસદનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. જેને સમગ્ર વિશ્વના પ્રવાસન નક્શા પર લાવવા માટે ખૂબ મહેનત કરાઈ છે. લોથલની સાથે વેળાવદર નેશનલ પાર્કમાં ઈકો ટુરીઝમ સર્કિટથી ભાવનગરના નાના વેપારીઓને ફાયદો થશે તેમ તેઓએ જણાવ્યું હતું. ભાવનગરથી વડાપ્રધાન ગાંધીનગર જવા રવાના થયા હતા. અહીં તેઓ નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે.
વિકાસની દોડમાં સુરતે અન્ય શહેરોને પછાડી દીધા છે: વડાપ્રધાન મોદી
આ અગાઉ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શો બાદ સભા સંબોધી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, સુરતે ઉદાહરણ રૂપ પ્રગતિ કરી છે ભારતમાં સુરત જેવા અનેક શહેરો છે પરંતુ સુરત એ બધાને પાછળ પાડી દીધા છે અને આ શક્તિ ગુજરાતમાં છે. આ ગુજરાતની શક્તિને આંચ ન આવે. ગુજરાતની વિકાસયાત્રાને કોઈ ઉણપ ન રહે એના માટે કોટી કોટી ગુજરાતીઓ સંકલ્પબદ્ધ છે. સુરત શ્રમનું સન્માન કરનાર શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લા 20 વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન મોદીએ સુરતના ભરપેટ વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આમ તો દેશમાં ત્રણ P પર કામ ચાલી રહ્યું છે. પરંતુ સુરત ચાર ‘P’નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહણ બન્યું છે. દુનિયાના વિકસતા સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકારે પાવરલૂમ મેગા ક્લસ્ટર પ્રોજેકટની મંજૂરી આપી દીધી છે.