વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા જંગલ મંડળીના મેદાન ખાતે 6 નવેમ્બરે બપોરે 2 કલાકે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
- નાનાપોંઢામાં 6 નવેમ્બરે વડાપ્રધાનની જાહેર સભાના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ
- વડાપ્રધાન સભા સ્થળે જ આર.એસ.એસ અને જનસંઘના પાયાના હોદ્દેદારો અને હોદેદારોને પણ મળશે
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુક્રવારે બપોરે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું કે ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાનની વલસાડ જિલ્લામાં જાહેર સભા હોઈ સમગ્ર ભાજપ પરિવાર તનતોડ મહેનત કરી રહ્યું છે. સભામાં 5 વિધાનસભાના વિસ્તારમાંથી અંદાજે 60 થી 70 હજાર લોકો ઉપસ્થિત રહેશે. જેમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે. સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ પણ હાજર રહેશે. તેમણે ઉમેર્યું કે અત્યત ટૂંકા ગાળામાં જાહેર સભાનું આયોજન થયું હોઈ સંગઠનના હોદેદારો અને કાર્યકરો સભાને સફળ બનાવવા સતત દોડી રહ્યા છે. વડાપ્રધાન સભા સ્થળે જ આર.એસ.એસ અને જનસંઘના અગાઉના પાયાના હોદ્દેદારો અને જિલ્લા સંગઠનના હોદેદારોને પણ મળશે.