ખેડા: માતર વિધાનસભામાં સમાવિષ્ઠ ખેડા કેમ્પ ખાતે આગામી તારીખ ૨૭ મી નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચુંટણી પ્રચાર અર્થે આવી રહ્યાં છે. ત્યારે સૌપ્રથમ વખત દેશના વડાપ્રધાન ખેડા કેમ્પની મુલાકાતે આવનાર હોવાથી ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે હવે માત્ર ૧૨ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે ખેડા જિલ્લામાં તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી, મતદારોને રીઝવવાના કામે લાગી ગયાં છે. જેને પગલે જિલ્લાના નાનામાં નાના ગામડાંથી લઈ શહેરોમાં ચુંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડા જિલ્લાની તમામ છ વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરવા માટે સ્ટાર પ્રચારકોની ફોઝ મેદાનમાં ઉતારી દીધી છે. જે પૈકી ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ ૨૭ મી નવેમ્બરના રોજ ખેડા શહેરમાં ચુંટણીલક્ષી પ્રચાર માટે આવનાર છે. જેને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ખેડાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુક્તજીવન સ્વામીબાપા ફાર્મમાં ભવ્ય જાહેરસભા સંબોધવાના છે. ત્યારે આ કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પક્ષના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. બીજી બાજુ દેશના કોઈપણ પ્રધાનમંત્રી આજદિન સુધી ખેડાની મુલાકાતે આવ્યાં નથી. ત્યારે આગામી તારીખ ૨૭ મી નવેમ્બરના રોજ ખેડામાં સૌપ્રથમ વખત કોઈ પ્રધાનમંત્રીનું આગમન થવાનું હોવાથી ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે થનગની રહ્યાં છે.
ભાજપની સરકારે આદિવાસી વિસ્તારમાં બે યુનિ. આપી છે
મહિસાગર જીલ્લામા વિધાનસભા ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંતરામપુર ખાતે ચૂંટણી પ્રચારે આવ્યા હતા, જ્યાં પ્રતાપપુરા મહાકાલ મંદિર ખાતેના મેદાને સભા સંબોધી હતી. તેઓએ ભારતીય જનતા પાર્ટી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં અને ગુજરાતમાં જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેની સમજુતી આપતાં જણાવ્યું હતું કે, પંચમહાલ અને રાજપીપળામાં આદિવાસી વિસ્તારમાં બે યુનિવર્સિટીની સ્થાપના કરી તેમજ સરકારની વિવિધ યોજનાઓ જે પહેલા લોકો સુધી પહોંચતી નથી. તે હવે ભાજપના શાસનમાં લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે.