અમદાવાદ: વડાપ્રધાન મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવ્યા છે. કોરોના કાળ બાદ તેઓની આ પ્રથમ મુલાકાત છે. જેને લઈને તમામ લોકો ઉત્સાહમાં આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થતા તેઓનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓએ પ્રધાનમંત્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.
યુપીમાં ભાજપન કમળ ખીલી ઉઠતા તેની ઉજવણી ગુજરાતમાં થઇ રહી છે. વડાપ્રધાન મોદીનો ગુજરાતમાં વિશાળ રોડ શો ચાલી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો મોદીનું અભિવાદન કરવા માટે ઉમટી પડ્યા છે. ખુલ્લી થાર જીપમાં મોદીનો રોડ શો ચાલી રહ્યો છે.ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. PM ના સ્વાગત માટે અમદાવાદ ગાંધીનગરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. ગાંધીનગરમાં કોબા સર્કલની આસપાસ 2 કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. મોટી સંખ્યામાં ભાજપના છેવાડાના કાર્યકરો ગાંધીનગર પહોચી રહ્યાં છે.
રોડ શોમાં છવાઈ ભાજપની કેસરી ટોપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે. સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે એ હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.
યુપી બાદ હવે મિશન ગુજરાત
પી.એમ મોદી ભવ્ય રોડ શો બાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે. વડાપ્રધાનના સરપંચ સંમેલન અંગે માહિતી આપતાં પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ, ભાજપના પ્રદેશ હોદ્દેદારો સહિત સેંકડો કાર્યકરો આ સમયે ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંવાદ કરશે. 4 રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપનું આ ભવ્ય શક્તિ પ્રદર્શન બની રહેશે. સંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થશે. આજના સંમેલન થકી પ્રધાનમંત્રી ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.
કળશ લઈને નદીમાં અર્ધ આપતી રંગોળીનું આકર્ષણ
ગુજરાતમાં આવીને સૌથી પહેલા પીએમ મોદી પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લેવાના છે. જેથી વડાપ્રધાન માટે ખાસ રંગોળી બનાવવામાં આવી છે. વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપ્યુ હતું. અર્ધ આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવવામાં આવી છે. વડાપ્રધાન ચારેક વર્ષ બાદ કમલમની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર કાર્યાલય તેઓ નિહાળશે. જેને લઈ કમલમને શણગારવામાં આવ્યું છે. કમલમ મુખ્ય ગેટથી માત્ર વડાપ્રધાન પ્રવેશ કરવાના છે એ જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી છે. વડાપ્રધાન સિવાયના તમામ નેતાઓએ કમલમના પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.