સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. વચગાળાના વડાપ્રધાન તરીકે શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને શપથ લેવડાવ્યા હતા. હાલમાં અન્ય કોઈને મંત્રી બનાવવામાં આવ્યા નથી. રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે આગામી છ મહિનામાં સંસદની નવી ચૂંટણીઓ યોજાશે.
સુશીલા કાર્કીએ શુક્રવારે રાત્રે નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા. તેમના નામ પર અંતિમ સંમતિ સધાઈ હતી. નેપાળના રાષ્ટ્રપતિ સંસદ ભંગ કરવા સંમત થયા હતા. સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે. બીજી તરફ જેન-ઝેડ નેતાઓએ આ સરકારમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. તેઓ કહે છે કે તેઓ સરકારમાં જોડાશે નહીં, પરંતુ સરકારના કામકાજ પર નજર રાખશે.
શપથ ગ્રહણ સમારોહમાં નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ સુશીલા કાર્કીને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા. લાંબા સમય સુધી ખેંચતાણ બાદ રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ રામ સહાય પ્રસાદ યાદવ, મુખ્ય ન્યાયાધીશ, નેપાળ સરકારના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને રાજદ્વારીઓ હાજર રહ્યા હતા.
નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને નેપાળના વચગાળાના વડા પ્રધાન બનાવવા કાઠમંડુના મેયર બાલેન શાહે તેમને ટેકો આપ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, સુશીલા કાર્કીએ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે ૧૯૭૯માં વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. સુશીલા કાર્કી ૧૧ જુલાઈ ૨૦૧૬ થી ૬ જૂન ૨૦૧૭ સુધી નેપાળના મુખ્ય ન્યાયાધીશ હતા. ૨૦૧૭માં તેમના પર મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો. સુશીલા કાર્કી પર પક્ષપાત અને કારોબારીમાં દખલગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નેપાળમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ દેશ સામે એક મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. કેપી શર્મા ઓલી સહિત ઘણા વરિષ્ઠ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ દરમિયાન નેપાળમાં પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે. હવે નેપાળને નવા વચગાળાના વડા પ્રધાન મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેન-ઝેડ આંદોલનકારીઓની બધી માંગણીઓ સ્વીકારવામાં આવી છે.