Gujarat

PM ગુજરાતમાં: એશિયાની સૌથી મોટી ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ, ટ્રેડિશનલ મેડીસીનના ગ્લોબલ સેન્ટરનું શિલાન્યાસ

જામનગર: (Jamnagar) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી જામનગર જવા માટે નીકળ્યા હતા. જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (GCTM) સેન્ટરનું શિલાન્યાસ કરાયું હતું. પ્રંસગે WHOના ડાયરેક્ટર જનરલ ટુડ્રોસ, પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોનું જામનગર એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (GCTM) સેન્ટરનું શિલાન્યાસ પીએમ મોદીના હસ્તે કરાયું હતું. આ પ્રંસગે WHOના ડાયરેક્ટર જનરલ ટુડ્રોસ પણ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ મોરિશિએયસના વડાપ્રધાન પ્રવિન્દુ જુગનાથનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. GCTMના ખાસ પ્રંસગે WHOના ડાયરેક્ટર જનરલ ટુડ્રોસ ‘કેમ છો, મજામાં’ કહીને ગુજરાતી ભાષામાં સંબોધન શરૂ કર્યું હતું.

પીએમ મોદી સહિત અન્ય મહાનુભવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા, ત્યાં એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી એરફોર્સથી સીધા પાયલોટ બંગલે પહોંચી જામરાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

જામનગરમાં પીએમ મોદીએ જામ શત્રુશલ્યસિંહજી સાથે પાયલોટ બંગલામાં જ મુલાકાત કરી હતી. મુલાકાત બાદ વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે ‘જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.’

આ પહેલા આજે તા. 19 એપ્રિલ મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન હળવા મૂડમાં દેખાયા હતા. 600 કરોડના ખર્ચે બનાસ ડેરીમાં વિવિધ પ્લાન્ટ બન્યા છે. 151 વીંઘામાં નિર્માણ પામેલી બનાસ ડેરી, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું. સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરીના એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું આજે વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાને જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા. થોડું હિન્દીમાં બોલીને પછી ગુજરાતીમાં બોલીશ એમ કહી વડાપ્રધાને જનમેદનીની મંજૂરી માગી હતી. આ સાથે જ વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મૃદુ ભાષી અને મક્કમ સીએમ કહ્યા હતા જ્યારે શંકર ચૌધરીને ઉર્જાવાન મેરે સાથી કહી સંબોધ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના સણાદર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરતી વેળા ડેરીના સ્થાપક ગલબાકાકાને યાદ કર્યા હતા. આ અગાઉ પ્રધાનમંત્રીએ શંકર ચૌધરી સાથે બનાસ ડેરીના નવા પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું, પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, બનાસની માતા બહેનોને મારા નમન. ભારતમાં ગામની અર્થવ્યવસ્થા અને માતા બહેનોના સશક્તિકરણને કેવી રીતે બળ આપી શકાય તે અહીં અનુભવી શકાય છે. લોકલને ગ્લોબલ બનાવવાની દિશામાં આ સારો પ્રયાસ છે. ઓછા વરસાદવાળા જિલ્લાની તાકાત, કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાકાથી ખેડૂતની સ્થિતિ કેવી રીતે બદલી શકાય છે તે આજે બનાસકાંઠામાં જોવા મળ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે બનાસકાંઠા એકવાર જે વાત સમજી લે તે પછી ક્યારેય તેને છોડે નહીં. હવે નર્મદાનું પાણી અહીં સુધી પહોંચ્યું છે. અહીં તળાવ બનાવશો તો તમે પાણીની સમસ્યાથી બહાર નીકળી શકશો. વડાપ્રધાને નડાબેટને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે, નડાબેટ ટુરિઝમનું કેન્દ્ર બન્યું છે. સરહદ પર ટુરિઝમનું ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. નડાબેટ પર સીમાદર્શન શરૂ થતા બનાસ અને પાટણ જિલ્લાના છેવાડાના ગામમાં રોજીરોટીની અવસર પેદા થશે.

Most Popular

To Top