દેવઘરઃ ઝારખંડના દેવઘરમાં શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેઓ બપોરના 2.20 વાગ્યાથી અહીં ફસાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ માટે દિલ્હીથી બીજું વિમાન લાવવામાં આવી રહ્યું છે. પીએમ પ્લેનમાં જ છે. એસપીજીએ તેમને એરપોર્ટ લોન્જમાં જવાની પરવાનગી આપી નથી.
મોદી સવારે આ વિમાન દ્વારા દેવઘર આવ્યા હતા. અહીંથી તેઓ બિહારમાં જમુઈ આદિવાસી દિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. પરત ફરતી વખતે તેમને દેવઘરથી દિલ્હી જવાનું હતું, પરંતુ પ્લેન ટેક ઓફ કરી શક્યું ન હતું. એરપોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિશેષ વિમાન ભારતીય વાયુસેનાનું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિનિયર પાયલોટે ટેકનિકલ ખામીની જાણકારી આપતાં જ પીએમઓએ સંકલન કર્યું અને એરફોર્સના એરક્રાફ્ટને દિલ્હીથી દેવઘર મોકલ્યું.
આ પહેલા પીએમ મોદીએ આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિના અવસર પર બિહારના જમુઈથી રૂ. 6,640 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ જમુઈ જિલ્લાના એક દૂરના ગામમાં “આદિવાસી ગૌરવ દિવસ” નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વર્ષ 2021 થી બિરસા મુંડાની જન્મજયંતિ “આદિવાસી ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. તેમણે મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યું હતું.