કેનેડાના પીએમ માર્ક કાર્નીએ G7 સમિટ માટે ભારતને આમંત્રણ મોકલ્યું છે. તેમણે પીએમ મોદીને ફોન કર્યો અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, “કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે ફોન પર વાત કરવાનો આનંદ થયો. તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ તેમને અભિનંદન અને આ મહિનાના અંતમાં કનાનાસ્કિસમાં યોજાનારી G7 સમિટમાં મને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર.”
બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ – પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે ઊંડા લોકો-થી-લોક સંબંધોથી બંધાયેલા જીવંત લોકશાહી દેશો તરીકે, ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતોના માર્ગદર્શન હેઠળ નવા જોશ સાથે સાથે કામ કરશે. સમિટમાં અમારી બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.” અગાઉ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે કેનેડા સાથેના સંબંધોમાં કડવાશને કારણે ભારતને G-7 સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવશે નહીં.
આ મહિને કેનેડામાં G7 સમિટ યોજાશે
વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની કેનેડાની સરકાર આ વર્ષે 15-17 જૂને આલ્બર્ટાના કનાનાસ્કિસ રિસોર્ટ ખાતે G7 સમિટનું આયોજન કરવા જઈ રહી છે. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ જેવા વૈશ્વિક પડકારો પર ચર્ચા થવાની ધારણા છે. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઉપરાંત યુરોપિયન યુનિયન G7 માં ભાગ લે છે.
કોંગ્રેસે કહ્યું હતું કે જો ભારતને કેનેડામાં G-7 બેઠકમાં આમંત્રણ આપવામાં નહીં આવે તો તે એક મોટી રાજદ્વારી ભૂલ હશે. વર્ષ 2023 માં કેનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 2023 માં ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.