ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરથી હાલત ગંભીર બની ગઈ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં ભારે તબાહી જોવા મળી રહી છે. હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં તા.7 સપ્ટેમ્બરથી વરસાદથી થોડી રાહત મળશે પરંતુ નૈનિતાલ અને ચંપાવત જિલ્લામાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાનના બાંસવાડા, ડુંગરપુર, પ્રતાપગઢ, સિરોહી અને ઉદયપુરમાં પૂરનું જોખમ વધ્યું છે.
PM મોદી પુરગ્રસ્ત પંજાબની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.9 સપ્ટેમ્બરે પંજાબના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ ગુરદાસપુર પહોંચીને પરિસ્થિતિની મુલાકાત લેશે અને અમૃતસર તથા તરનતારન જિલ્લાનો હવાઈ સર્વે પણ કરી શકે છે.
સતલુજમાં પાણી છૂટતા લુધિયાણામાં ચિંતાનો માહોલ
ભાખરા ડેમમાંથી પાણી છોડાતા સતલુજ નદીમાં જળસ્તર વધ્યું છે. પરિણામે લુધિયાણાના 12 ગામોમાં પૂરનો ખતરો ઉભો થયો છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને ચેતવણી આપી છે અને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે.
રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોવાયો, ત્રણનાં મોત
રાજસ્થાનના રાજસમંદ-જોધપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો અડધો કિલોમીટરનો ભાગ પાણીમાં ધોવાઈ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે. જયપુરમાં ભારે વરસાદથી ચાર માળની જર્જરિત ઈમારત ધરાશાયી થતાં પિતા-પુત્રીના મોત થયા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. તેમજ કોટામાં વીજળી પડતા એક ખેડૂતનું મોત થયું છે.
હરિયાણામાં 10 લાખ એકર પાક બરબાદ
હરિયાણામાં સતત વરસાદને કારણે 10 લાખ એકરથી વધુ પાક પાણીમાં ડૂબી ગયો છે. અત્યાર સુધીમાં 1.7 લાખ ખેડૂતો એ-ડેમેજ પોર્ટલ પર નુકસાનની નોંધણી કરી ચૂક્યા છે.
દિલ્હીમાં પાણી ઘટ્યું પરંતુ પડકારો યથાવત
દિલ્હીમાં યમુનાનું પાણી ધીમે ધીમે ઘટી રહ્યું છે. હાલમાં જળસ્તર 207 મીટરથી નીચે આવ્યું છે. છતાં તે હજુ પણ ખતરાના નિશાનથી ઉપર છે. પરંતુ હજુ પણ 20 હજારથી વધુ લોકો રાહત શિબિરોમાં રહી રહ્યા છે. શિબિરોમાં સ્વચ્છતા, પીવાનું પાણી, ખોરાક, દવા, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવી એક પડકાર છે.
ઉત્તરાખંડ અને હિમાચલની સ્થિતિ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી નૌગાંવમાં નુકસાન થયું છે. હિમાચલના કુલ્લુમાં કાટમાળમાંથી ચાર મૃતદેહ મળ્યા છે. જેનાથી જાનહાનિનો આંક વધ્યો છે.
ઉત્તર ભારતમાં હજી સુધી વરસાદનો ખતરો ટળ્યો નથી. પ્રશાસન દ્વારા લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.