પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રાજ્યના હિંદુઓને ટીએમસીના શાસન દરમિયાન “બીજા વર્ગના નાગરિક” બનાવવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને બેરકપુરને ઈતિહાસ સર્જનારી ભૂમિ ગણાવી હતી. ટીએમસી પર વળતો પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે આઝાદીમાં આ જમીને મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ ટીએમસીએ તેની શું હાલત કરી છે. તેમણે ટીએમસી પર બેરકપુરને કૌભાંડોનો અડ્ડો બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં બેરકપુરમાં એક રેલીને પણ સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે રાજ્યની સત્તાધારી પાર્ટી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે અહીંની તસ્વીર બતાવે છે કે બંગાળમાં આ વખતે અલગ જ માહોલ છે. તેમણે પશ્ચિમ બંગાળને પૂર્વ ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળને પાંચ ગેરંટી આપી છે.
PM મોદીએ લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં આ રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે લોકોને ઘણા વચનો આપ્યા અને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તૃણમૂલ કોંગ્રેસ પર ‘વોટ બેંક’ની રાજનીતિનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ્યના શાસક પક્ષના ‘ગુંડાઓ’ ગુનેગારોને બચાવવા સંદેશખાલીની પ્રતાડિત મહિલાઓને ધમકાવી રહ્યા છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને દેશભરમાં તેના ‘રાજકુમાર’ની ઉંમર કરતા પણ ઓછી બેઠકો મળશે.
- પીએમ મોદીએ આપી આ પાંચ ગેરંટી
- જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહીં મળે
- જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી એસસી-એસટી-ઓબીસીની અનામતને કોઈ ખતમ કરી શકશે નહીં
- જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તમને રામનવમી મનાવવા અને ભગવાન રામની પૂજા કરવાથી કોઈ રોકી શકશે નહીં
- જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઈ ઉલટાવી શકશે નહીં
- જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કોઈ પણ CAA કાયદાને રદ કરી શકશે નહીં.