National

હું દેશવાસીઓના સ્નેહનો ઋણી છું, NDA ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે- PM મોદી

લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) ત્રીજી વખત સરકાર બનાવવાની વચ્ચે પીએમ મોદી (PM Modi) દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ભારત માતા કી જય અને જય જગન્નાથ સાથે તેમણે ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે આ આશીર્વાદ માટે હું દેશના તમામ લોકોનો ઋણી છું. આજનો દિવસ ખૂબ જ શુભ છે. આ શુભ દિવસે, એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવશે. દેશવાસીઓએ એનડીએ અને ભાજપ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજની જીત વિશ્વની સૌથી મોટી લોકશાહીની જીત છે. ભારતના બંધારણ પ્રત્યેની અતૂટ વફાદારીની આ જીત છે. આ વિકસિત ભારતના વચનની જીત છે. આ સબકા સાથ, સબકા વિકાસ મંત્રની જીત છે. આ 140 કરોડ ભારતીયોની જીત છે.

પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને કહીશ કે ભારતની આ ચૂંટણી પ્રક્રિયાની તાકત છે. આ ભારતની ઓળખને ચાર ચાંદ લગાડવાની વાત છે. ભારતના લોકતંત્રના સામર્થ્યને વિશ્વ સમક્ષ આપણે ગર્વ સાથે પ્રસ્તુત કરવાનું છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ ચૂંટણી પર્વમાં વિશ્વાસ જતાવ્યો છે. ભારતને બદનામ કરનારી તાકતોને જમ્મુ-કાશ્મીરની જનતાએ જવાબ આપ્યો છે. હું દેશના દરેક નાગરિક, દરેક રાજકીય દળ, દરેક ઉમેદવારોનું અભિનંદન કરૂં છું. બધાની ભાગીદારી વિના લોકતંત્રનો આ ઉત્સવ શક્ય ન હતો. 1962 પછી પ્રથમ વખત કોઈ સરકાર તેની બે ટર્મ પૂરી કરીને ત્રીજી વખત પરત આવી છે.

ત્રીજો કાર્યકાળ નવા નિર્ણયોનો નવો અધ્યાય લખશેઃ પીએમ મોદી
2014થી 2024 વચ્ચે એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે કરવામાં આવેલા કામનો પણ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે ત્રીજી ટર્મમાં દેશ નવા નિર્ણયોનો નવો અધ્યાય લખશે, આ મોદીની ગેરંટી છે.

ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારને જડમૂળથી ખતમ કરવા પર ભારઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ દિવસેને દિવસે વધુ કઠિન બની રહી છે. જ્યારે રાજકીય લાભ માટે ભ્રષ્ટાચારનો મહિમા થવા લાગે છે ત્યારે ભ્રષ્ટાચાર બળ મેળવે છે. ત્રીજી ટર્મમાં દરેક રીતે ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા પર ભાર મૂકવામાં આવશે.

વિરોધીઓ એક થયા છતા પણ તેઓ ભાજપ જેટલી બેઠકો ન જીતી શક્યા- PM મોદી
અમારા વિરોધીઓ એક થઈ ગયા તો પણ ભાજપે એકલા હાથે જીતી છે તેટલી બેઠકો તેઓ જીતી ન શકે. હું ભાજપના કાર્યકરો અને જનતાને કહેવા માંગુ છું કે આટલી ગરમીમાં તમે જે પરસેવો વહાવ્યો તે મોદીને સતત કામ કરવાની પ્રેરણા આપે છે. તમે 10 કલાક કામ કરશો, મોદીજી 18 કલાક કામ કરશે. તમે બે ડગલાં આગળ વધશો તો મોદી ચાર પગલાં ભરશે. આપણે સાથે મળીને દેશને આગળ લઈ જઈશું. જ્યાં સુધી ગરીબી આપણા દેશના ભૂતકાળનો હિસ્સો ન બને ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.

ચૂંટણી પંચને પણ અભિનંદન આપ્યા
પીએમ મોદીએ કહ્યું કે દેશના ચૂંટણી પંચને પણ અભિનંદન. વિશ્વની સૌથી મોટી ચૂંટણી આટલી કાર્યક્ષમતા સાથે યોજાઈ હતી. ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર દેશને ગર્વ છે. દુનિયામાં આવું કોઈ ઉદાહરણ નથી. લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયાની મજબૂતી એ પોતાનામાં ગર્વની વાત છે.

મોદીએ કહ્યું- ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ
બીજેપી કાર્યાલય પહોંચતા પહેલા PMએ X પર પોસ્ટ કર્યું હતું. તેમણે લખ્યું કે જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. તેમણે લખ્યું કે હું જનતાને આ સ્નેહ માટે સલામ કરું છું અને ખાતરી આપું છું કે અમે જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છેલ્લા દાયકામાં કરેલા સારા કામને ચાલુ રાખીશું. હું અમારા તમામ કાર્યકરોને તેમની મહેનત માટે સલામ કરું છું.

Most Popular

To Top