વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જોકે મુંબઈ પોલીસે (Mumbai Police) મામલો સંભાળી લીધી હતો. નકલી એનએસજી (NSG) ગાર્ડ તરીકે પોતાની ઓળખ આપતો એક વ્યક્તિ PM મોદીની રેલીમાં પહોંચ્યો હતો. આ મામલો ગુરુવારનો છે. PM નરેન્દ્ર મોદી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પહોંચવાના હતા ત્યારે આ ઘટના બની હતી. વ્યક્તિ પાસે હથિયાર હતું. પોલીસને તેના પર શંકા ગઈ ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈ તપાસ કરવામાં આવી હતી. આરોપી પાસેથી એનએસજીનું આઈડી કાર્ડ (ID Card) મળી આવ્યું હતું. પોલીસે આ મામલે NSGનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે પકડાયેલ આરોપી નકલી સૈનિક છે. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રામેશ્વર મિશ્રા નવી મુંબઈમાં રહે છે અને તેણે સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આરોપી રામેશ્વર મિશ્રા સામે હવે કલમ 171, 465, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને શુક્રવારે બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને 24 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
મળતી માહિતી મુજબ PM નરેન્દ્ર મોદી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પહોંચવાના હતા ત્યારે આ ઘટના બની હતી. આર્મીની “ગાર્ડ્સ રેજિમેન્ટ” ના નાઈક હોવાનો દાવો કરતા એક વ્યક્તિએ ઉચ્ચ સુરક્ષાવાળા VVIP વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. શંકાના આધારે જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોતાને NSG અધિકારી દર્શાવ્યો. આ માટે તેણે એનએસજીનું આઈડી કાર્ડ પણ બતાવ્યું પરંતુ તેની હરકતો શંકાસ્પદ હતી. જ્યારે પોલીસે આ વાતની જાણ NSGને કરી તો NSGએ રામેશ્વરના NSG સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ આ મામલાની તપાસ કરી રહી છે. એજન્સીઓ પૂછપરછ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પીએમ મોદીની રેલીમાં આ વ્યક્તિનાં પહોંચવા પાછળનો હેતુ શું હતો. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ NSGનું બનાવટી આઈડી કાર્ડ ક્યાંથી મેળવ્યું? VVIP સુરક્ષા ઝોનમાં પ્રવેશવા પાછળ તેનો શું હેતુ હતો અને તે ક્યાંથી આવ્યો હતો? આ સાથે આરોપીનું બેકગ્રાઉન્ડ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન આતંકવાદી હુમલાની આશંકા મુંબઈ પોલીસને પહેલેથી જ હતી. આને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે એક એડવાઈઝરી જારી કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન મોદીની એરપોર્ટ MMRDA ગ્રાઉન્ડ અંધેરીના ગુંદાવલી અને મોગરા પાડા વિસ્તારની મુલાકાત દરમિયાન ડ્રોન પેરાગ્લાઈડર અને લાઇટ માઈક્રો એરક્રાફ્ટ દ્વારા હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે નો ફ્લાઈંગ ઝોન, નો પેરાગ્લાઈડિંગ ઝોન અને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ ભીડને કાબૂમાં રાખવા માટે તે વિસ્તારોમાં વડાપ્રધાનની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારવા અને કડક ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.