નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election 2024) મહારાષ્ટ્રને (Maharashtra) મહત્વના રાજ્યોમાંથી એક માનવામાં આવે છે. લોકસભાની કુલ 48 બેઠકો છે જે દિલ્હીમાં સત્તામાં આવવા માટે કોઈપણ પક્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમામ પક્ષોએ દેશના તમામ રાજ્યોમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ત્યારે આજે 10 મેના રોજ પ્રચાર માટે મહારાષ્ટ્રના નંદુરબાર (Nandurbar) પહોંચ્યા હતા.
આ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કુલ 5 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જેમાંથી 3 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચ્યા હતા. અહીંની રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ વિપક્ષને આડેહાથ લીધી હતી.
પીએમ મોદીએ મરાઠી ભાષામાં લોકોનો આભાર માનીને ભાષણની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ અક્ષય તૃતીયા, અખા ત્રીજ અને પરશુરામ જયંતિની શુભકામનાઓ આપીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, ‘આજે અક્ષય તૃતીયા, અખા ત્રીજનો શુભ તહેવાર છે. હું તમામ દેશવાસીઓને અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈ-બહેનોને અક્ષય તૃતીયાની શુભકામનાઓ પાઠવું છું. આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ છે, આ શુભ દિવસે હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું.
નંદુરબારમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ સતત જુઠ્ઠાણા ફેલાવી રહી છે. અનામત મુદ્દે કોંગ્રેસની હાલત ખૂબ જ ઘોંઘાટીયા છે. ધર્મના આધારે અનામત આપીને કોંગ્રેસે બંધારણની પીઠમાં છરા મારવાનું પાપ કર્યું છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય આદિવાસીઓ અને પછાત વર્ગો પાસેથી અનામત છીનવીને લઘુમતીઓને આપવાનો છે. જે જ્યાં સુધી મોદી જીવીત છે ત્યાં સુધી શક્ય નથી.
પીએમ મોદીએ કહ્યું કે આજે ઘણા લોકો મને આશીર્વાદ આપવા અહીં આવ્યા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે દેશમાં ફરી એકવાર ભાજપ સરકાર બનશે. ગુજરાતથી અહીંનું અંતર વધારે નથી. તેથી તેઓ અવારનવાર નંદુરબાર જતા હતા. આ સાથે જ PMએ નંદુરબારની ચૌધરીની ચા પર પણ ચર્ચા કરી હતી. પીએમએ કહ્યું કે આદિવાસીઓની સેવા પરિવારની સેવા સમાન છે. કોંગ્રેસની જેમ તેઓ રાજવી પરિવારમાંથી નથી પરંતુ ગરીબીમાંથી આવે છે.