દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા. તેઓ એરપોર્ટથી સીધા હોસ્પિટલ ગયા. દિલ્હી વિસ્ફોટમાં ઘાયલોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી વિસ્ફોટો પછી ભૂટાનથી પોતાના પહેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને ચેતવણી આપી કે વિસ્ફોટો માટે જવાબદાર તમામ લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
સોમવાર 10 નવેમ્બરની સાંજે રાષ્ટ્રીય રાજધાની લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક ખતરનાક કાર બોમ્બ વિસ્ફોટથી હચમચી ઉઠી હતી. આ ઘટનાથી સમગ્ર દેશમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંગળવારે ભૂટાનના થિમ્પુમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દિલ્હી વિસ્ફોટો પાછળના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.”
વડા પ્રધાન મોદી રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં હાજરી આપવા માટે પડોશી દેશની બે દિવસીય મુલાકાત પર થિમ્પુમાં હતા.