અમદાવાદ: ગુજરાતમાં આજે સૌથી મોટા સમાચાર એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) માતા (Mother) હીરાબાનું (Hira Baa) આજે શતાયુ વર્ષે અવસાન થયું છે. સમગ્ર દેશના દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તીઓ સહિત પ્રજાએ શોક સંદેશો પાઠવ્યો છે. મોદીના માદરે વતન વડનગરમાં પણ લોકો શોકાતુર છે. હીરાબાના નિધન બાદ વડનગરમાં પ્રાર્થના સભા યોજવામાં આવશે.
વડનગરમાં રવિવારે સવારે 9થી12 સુધી બેસણું
રવિવારે સવારે 9થી12 સુધી પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. બેસણું પણ સવારે 9 વાગ્યે વડનગરમાં જ રખાયું છે. ઉપરાંત અન્ય લૌકિક ક્રિયાઓ પણ ત્યાં જ યોજવાનું નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે. આજે વેપારીઓએ વડનગર બંધ રાખી મોદીના માતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. મહેસાણા જિલ્લાના વડનગરમાં આજે શોકનો માહોલ હોય એમ સવારથી બજારો એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓએ આજે કામકાજ બંધ રાખીને શોક પાળ્યો છે. તેમના વતન વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલી આપશે.
અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો
નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમદર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
શુક્રવારે સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું
ઉલ્લેખનીય છે કે હીરાબા મોદીનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. 100 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. મંગળવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને કફની ફરિયાદ પણ હતી.
હીરાબાની આ આગાહી પછીથી સાચી પડી
કેન્દ્રમાં મોદી સરકારે સમગ્ર વિશ્વમાં આજે ડંકો વગાડી દીધો છે અને ભારતનું નામ ચારેબાજુ ગાજતું કરી મૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાજ્યના મુખ્યમંત્રીના પદે બિરાજમાન હતા. ત્યારે પીએમ મોદીની માતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનો પુત્ર માત્ર વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતનો મુખ્યમંત્રી નહીં બને પરંતુ એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે. તેમની આગાહી પછીથી સાચી પડી છે. જ્યારે નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.