દિલ્હી: (Delhi) જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મામલે કેવી રીતે આગળ વધવું તે માટે કેન્દ્ર સરકારે આ દિશામાં મહત્વની પહેલ કરી છે. કાશ્મીરના મુસ્લિમો તાલિબાન અને તેના નિવેદન વિશે શું માને છે તે જાણવા કેન્દ્રીય મંત્રીઓની (Ministers) જુદી જુદી ટીમો ત્યાં મુલાકાત લેશે. આ ટીમો લોકો સાથે વાત કરશે, સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપશે અને તેમના મનની વાત સમજવાનો પ્રયત્ન કરશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાની આતંકવાદી (Terrorist) સંગઠનો મજબૂત બનવાની આશંકાઓ વચ્ચે આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે. એક તાલિબાન નેતાએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે તે ‘કાશ્મીરના મુસ્લિમોનો અવાજ’ ઉઠાવશે. અહેવાલો અનુસાર, લગભગ 70 મંત્રીઓ આ મુલાકાતમાં શામેલ થશે જે 9 અઠવાડિયા સુધી ચાલશે.
મોદી જશે કે નહીં, હજી નક્કી નથી
બંધારણની કલમ 370 માં ફેરફાર કર્યા બાદ ત્યાંના લોકોને સીધા મળવા માટે કેન્દ્ર સરકારની આ બીજી કવાયત હશે. ગયા વર્ષે 18-24 જાન્યુઆરી વચ્ચે 36 કેન્દ્રીય મંત્રીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. 10 સપ્ટેમ્બરથી કેન્દ્રીય પ્રધાનોની મુલાકાતો શરૂ થશે તેવા અહેવાલ છે. જનતાને મળવા ઉપરાંત મંત્રી વહીવટ અને પંચાયતી રાજ સંસ્થાઓના લોકોને પણ મળશે. કેન્દ્રીય મંત્રી પરિષદમાં કુલ 78 પ્રધાનો છે અને તેમાંથી 70 મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે કે નહીં તે અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.
મોદી સરકારની શું યોજના છે?
દર અઠવાડિયે 8 મંત્રીઓ જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે. જમ્મુમાં ચાર અને કાશ્મીરમાં ચાર. વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પણ તેનો ભાગ બનશે. જે મંત્રી પાસે મંત્રાલય છે તેઓ તેમના મંત્રાલયને લગતી બાબતોની નોંધ લેશે. પાછા ફરી રિપોર્ટ ગૃહ મંત્રાલય (MHA) અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ને સુપરત કરશે. PMO માં, કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહ આ સમગ્ર કવાયત અંગે MHA સાથે સંકલન કરી રહ્યા છે.
તાલિબાનના ખતરાને જોતા આ મુલાકાત મહત્વની છે
ભારત માટે જમ્મુ અને કાશ્મીરમાં અસ્થિરતાનું જોખમ પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનથી નોંધપાત્ર રીતે વધ્યું છે. તાલિબાને એક દિવસ પહેલા જ કહ્યું છે કે તે કાશ્મીરમાં મુસ્લિમોનો અવાજ બુલંદ કરશે. અત્યાર સુધી તાલિબાને આ મુદ્દામાં દખલ કરવાનું ટાળ્યું હતું. ઘણા નિષ્ણાતોએ ભય વ્યક્ત કર્યો છે કે પાકિસ્તાની આતંકવાદીઓ તાલિબાન સાથે મળીને કાશ્મીરમાં પાયમાલી સર્જી શકે છે. આવા સમયે કેન્દ્રીય પ્રધાનોની જમ્મુ-કાશ્મીરની મુલાકાત સરકારને સ્થાનિક વાતાવરણ અંગેની જાણ કરશે. કાશ્મીરીઓ તાલિબાન વિશે શું વિચારે છે અને તેને લઈને સુરક્ષાની કઈ ચિંતા ઉભી થઈ શકે છે તેના પર મંત્રીઓ તેમના અહેવાલોમાં માહિતી આપશે.